fbpx

7.1 તિવ્રતાના ભૂકંપથી નેપાળ-તિબેટમાં તબાહી મચી, 50થી વધુ નિધન, જુઓ વીડિયો-ફોટો

7 જાન્યુઆરીની સવાર, જ્યારે ઘણા લોકો ઊંઘમાંથી જાગ્યા પણ ન હતા, ત્યારે મંગળવારે સવારે નેપાળ અને તિબેટની સરહદ નજીક આવેલા ભયાનક ભૂકંપે દરેકની ઊંઘ અને જીવન બંને બગાડી નાખ્યા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી, જેના કારણે તિબેટની જમીન ડોલવા લાગી હતી. ભૂકંપની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બિહાર, UP, દિલ્હી NCR, બંગાળ સહિત ભારતના ઘણા રાજ્યોમાં તેના આંચકા અનુભવાયા હતા. જ્યારે, આ ભૂકંપના કારણે ચીન પ્રશાસિત તિબેટમાં તબાહીની તસવીરો જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. તિબેટમાં ભૂકંપને કારણે થયેલી તબાહીના દિલ હલાવી નાખનારા દૃશ્ય જુઓ.

ચીનના તિબેટ સ્વાયત્ત ક્ષેત્રના શિગાઝે શહેરમાં મંગળવારે 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં 50થી વધુ લોકોના મોત થયા હતા અને 60થી વધુ લોકો ઘાયલ થયા હતા.

પ્રાદેશિક આપત્તિ રાહત મુખ્યાલય અનુસાર, મંગળવારે (ચીન સમય મુજબ) સવારે 9:05 વાગ્યે તિબેટ સ્વાયત્ત ક્ષેત્રના શિગાઝે શહેરની ડિંગરી કાઉન્ટીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ભૂકંપનું કેન્દ્ર 28.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ અને 87.45 ડિગ્રી પૂર્વ રેખાંશ પર હતું. ‘સિન્હુઆ’ અનુસાર, ચાઈના ભૂકંપ નેટવર્ક સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈ પર હતું. US જીઓલોજિકલ સર્વે (USGS) અનુસાર, ભૂકંપ સવારે 6.35 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર તિબેટ ક્ષેત્રમાં હતું, જે નેપાળના લોબુચેથી લગભગ 93 Km ઉત્તર-પૂર્વમાં હતું.

ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટરની ઊંડાઈએ હતું, જેના કારણે બિહાર અને ઉત્તર ભારતના ઘણા ભાગોમાં આંચકા અનુભવાયા હતા. નેપાળમાં ખુમ્બુ ગ્લેશિયરની નજીક સ્થિત લોબુચે, કાઠમંડુથી લગભગ 150 કિલોમીટર પૂર્વમાં અને એવરેસ્ટ બેઝ કેમ્પની નજીક સ્થિત છે.

ચીનના રાજ્ય પ્રસારણકર્તા CCTV અનુસાર, ચીનની ભૂકંપ મોનિટરિંગ એજન્સીએ 6.8ની તીવ્રતા સાથે ભૂકંપ રેકોર્ડ કર્યો, તેનું કેન્દ્રબિંદુ લગભગ 4,200 મીટર (13,800 ફીટ)ની ઉંચાઈ પર હતું.

મીડિયા સૂત્રોની એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર ભૂકંપની સૌથી વધુ અસર તિબેટના શિગાત્સે શહેર પર થઈ છે. અહીં ભૂકંપના કારણે ઘણી મોટી ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે, જેના કારણે જાન-માલનું મોટું નુકસાન થયું છે. ચીનની સરકારી સમાચાર એજન્સીએ માહિતી આપી હતી કે, શિજાંગ સ્વાયત્ત ક્ષેત્રની ડીંગરી કાઉન્ટીમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

7 જાન્યુઆરીએ તિબેટ પ્રદેશમાં શક્તિશાળી ભૂકંપ આવ્યા પછી ‘ઘણી ઇમારતો’ ધરાશાયી થઈ હતી. ચીનના રાજ્ય પ્રસારણકર્તા CCTV દ્વારા પ્રસિદ્ધ કરાયેલા વિડિયોમાં ભૂકંપ પછી ખંડેરમાં પરિવર્તિત થયેલા ઘરો, તૂટેલી દિવાલો અને વિખરાયેલો કાટમાળ બતાવવામાં આવ્યો છે.

2008માં ચીનના સિચુઆન પ્રાંતમાં આવેલા પ્રચંડ ભૂકંપમાં લગભગ 70,000 લોકો માર્યા ગયા હતા. જ્યારે 2015માં, નેપાળમાં કાઠમંડુ નજીક 7.8 તીવ્રતાનો સૌથી ખરાબ ભૂકંપ આવ્યો હતો, જેમાં લગભગ 9,000 લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા.

Leave a Reply