રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તાજેતરમાં બીમાર આસારામને સારવાર માટે મહારાષ્ટ્ર પણ લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન સુરતની લાજપોર જેલમાં બંધ તેના પુત્રને ગુજરાત હાઈકોર્ટે માંદગીના કારણે મળવાની મંજૂરી આપી હતી.
એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટે 2013ના બળાત્કાર કેસમાં જોધપુર જેલમાં બંધ આસારામને તબીબી આધાર પર વચગાળાના જામીન આપતા સમયે કેટલીક શરતો પણ લગાવી હતી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, આસારામ પુરાવા સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરશે નહીં અને વચગાળાના જામીન પર છૂટ્યા પછી તેના અનુયાયીઓને મળી શકશે નહીં.
પરંતુ હાલમાં તે જેલમાંથી બહાર નહીં આવી શકે કારણ કે રાજસ્થાનમાં એક કેસમાં પણ તે કસ્ટડીમાં છે. આસારામને બે કેસમાં આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે, એટલે બીજા કેસમાં પણ તેને જામીન ન મળે ત્યાં સુધી તે જેલ બહાર આવી શકશે નહીં.
આસારામને 2013માં યૌન શોષણના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને કલમ 376 (બળાત્કાર) અને કલમ 377 (અકુદરતી કૃત્ય) હેઠળ આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ મામલો જોધપુરમાં તેના આશ્રમમાં અભ્યાસ કરતી સગીર બાળકી પર બળાત્કાર સાથે સંબંધિત હતો.
વર્ષ 2024ના અંતમાં, આસારામને તેમની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે ત્રીજી વખત પેરોલ મળી હતી. રાજસ્થાન હાઈકોર્ટે 15 ડિસેમ્બરે આ નિર્ણય આપ્યો હતો, જેમાં તેને તબીબી કારણોસર પેરોલની મંજૂરી આપવામાં આવી હતી. આ અગાઉ તેને નવેમ્બરમાં 30 દિવસ અને ઓગસ્ટમાં 7 દિવસની પેરોલ મળી હતી. આસારામને બ્લૉકેજ સહિત અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે. પેરોલની શરતો મુજબ, આ સમયગાળા દરમિયાન તેને કોઈ મળી શકે તેવી મંજૂરી નહોતી.
એક સમયે ભારતભરમાં લાખો અનુયાયીઓનાં દિલો પર રાજ કરનાર આસારામને 2013માં જાતીય શોષણના કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ મામલો સુરતની એક યુવતી દ્વારા આસારામ પર લગાવવામાં આવેલા બળાત્કારના આરોપ સાથે સંબંધિત હતો. કેસની તપાસમાં 68 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા અને આસારામ સહિત 7 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જોકે, શરૂઆતમાં 8 આરોપી હતા, પરંતુ તેમાંથી એક સરકારી સાક્ષી બની ગયો હતો. આસારામને રાજસ્થાનમાં તેના આશ્રમમાં એક સગીરનું યૌન શોષણ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો અને કલમ 376 અને 377 હેઠળ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જોધપુરની એક કોર્ટે તેને આ સજા સંભળાવી છે. આસારામની ધરપકડ અને સજાથી તેના અનુયાયીઓ અને સમર્થકોને ભારે આઘાત લાગ્યો હતો.