fbpx

અમિત શાહે ઈન્ટરપોલ જેવું ‘ભારતપોલ’ પોર્ટલ લોન્ચ કર્યું, જાણો કેવી રીતે કામ કરશે?

ઈન્ટરપોલની જેમ ભારતને પણ પોતાનું પ્લેટફોર્મ મળ્યું. વિદેશમાં છુપાયેલા ભારતના દુશ્મનોનું હવે આવી બન્યું. વિદેશમાં છુપાયેલા મોસ્ટ વોન્ટેડ ગુનેગારો પર કાર્યવાહી કરવા માટે ‘ભારતપોલ’ આવ્યું છે. આજે એટલે કે મંગળવારે ‘ભારતપોલ’ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ CBI દ્વારા વિકસાવવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મંગળવારે ‘ભારતપોલ’નું ઉદ્ઘાટન કર્યું.

આ દરમિયાન અમિત શાહે કહ્યું કે, આ ભારતપોલ પોર્ટલ વિદેશ ભાગી ગયેલા ગુનેગારોને પકડવામાં મદદ કરશે. સુરક્ષિત ભારત બનાવવાનું સપનું સાકાર થશે. દેશમાંથી ભાગી રહેલા ગુનેગારો પર નજર રહેશે. ઈન્ટરપોલની તર્જ પર CBIએ ભારતપોલ નામનું એક કોમન પોર્ટલ તૈયાર કર્યું છે. તો ચાલો જાણીએ કે તે શું છે અને તે કેવી રીતે કામ કરશે.

‘ભારતપોલ’ દ્વારા રાજ્ય પોલીસ દળો અને અન્ય કેન્દ્રીય કાયદા અમલીકરણ એજન્સીઓને ઇન્ટરપોલના  માધ્યમથી આંતરરાષ્ટ્રીય પોલીસને મદદ કરવા માટે વાસ્તવિક સમયની માહિતી શેર કરવાની સુવિધા મળશે. આ પોર્ટલમાં તમામ તપાસ એજન્સીઓ અને તમામ રાજ્યોના પોલીસ વડાઓને સામેલ કરવામાં આવશે. આ પોર્ટલથી કોઈપણ પ્રકારની આતંકવાદી ઘટના, ગંભીર ગુના, નાર્કો, સાયબર ક્રાઈમમાં વોન્ટેડ ગુનેગારો સુધી પહોંચવાનું સરળ બનશે.

જો સૂત્રોનું માનીએ તો, નવું અત્યાધુનિક ઓનલાઈન પ્લેટફોર્મ ‘ભારતપોલ’ પોલીસ દળો અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કેન્દ્રીય એજન્સીઓને વિદેશમાં છુપાયેલા ભાગેડુ વ્યક્તિઓ અથવા અન્ય કેસ વિશે ઈન્ટરપોલ પાસેથી માહિતી માંગતી અરજીઓ મોકલવાની સુવિધા આપશે. સાયબર ગુનાઓ, નાણાકીય ગુનાઓ, ઓનલાઈન કટ્ટરપંથી, સંગઠિત અપરાધ, માદક દ્રવ્યોની હેરાફેરી, માનવ તસ્કરી વગેરે સહિત આંતરરાષ્ટ્રીય ગુનાઓની વધતી જતી સંખ્યાને કારણે, ગુનાહિત તપાસમાં તાત્કાલિક અને વાસ્તવિક સમયની આંતરરાષ્ટ્રીય સહાય વિકસાવવાની જરૂરિયાત અનુભવાઈ હતી.

આનાથી ભરતપોલ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ દળોની કામગીરીમાં સરળતા રહેશે. CBIએ ભારતનું રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યુરો છે, જે ઇન્ટરપોલ સંબંધિત બાબતો માટે જવાબદાર છે. ઈન્ટરપોલ દ્વારા, CBI ભારતમાં ગુનાઓ અથવા ગુનેગારોની તપાસમાં મદદ કરવા માટે અન્ય ઈન્ટરપોલ સભ્ય દેશોની સમાન એજન્સીઓ પાસેથી જરૂરી માહિતી મેળવી શકે છે. તે અન્ય દેશોને મદદ કરવા માટે ગુનાહિત ડેટા અને ગુપ્ત માહિતી પણ શેર કરી શકે છે.

વારંવાર, વોન્ટેડ ગુનેગારો આતંકવાદી પ્રવૃત્તિ, સાયબર ક્રાઇમ, બેંક છેતરપિંડી જેવા કોઈપણ પ્રકારના ગુના કરી દેશ છોડીને ભાગી જાય છે અને વિદેશમાંથી ભારતમાં ગુનાઓ આચરે છે. એવામાં અત્યાર સુધી, જો કોઈ એજન્સીને વોન્ટેડ ગુનેગારને પાછા લાવવા હોય, તો તે એજન્સી તેના પ્રત્યાર્પણ માટે મેલ અથવા પત્ર દ્વારા CBIનો સંપર્ક કરે છે. આવી સ્થિતિમાં સમાચાર લીક થવાનું જોખમ રહેલું છે. ભારતપોલ આ ખતરાને ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે.

ભારતપોલ દ્વારા રાજ્યોની તમામ એજન્સીઓ અને પોલીસ સીધી રીતે એકબીજા સાથે જોડાશે અને સારું સંકલન શક્ય બનશે. ભારતપોલ પોર્ટલનું ઉદ્ઘાટન આજે સવારે 10.30 કલાકે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ભારત મંડપમ ખાતે કરવામાં આવ્યું હતું. CBI ડાયરેક્ટર સહિત તમામ રાજ્યોના પોલીસ વડાઓ અહીં હાજર હતા.

Leave a Reply