fbpx

દેશમાં HMPVની હાલની સ્થિતિ શું છે, સરકારે જણાવી તમામ માહિતી

ભારત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે ગઈકાલે વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી, જેમાં ભારતમાં શ્વસન બિમારીઓની વર્તમાન સ્થિતિ અને ચીનમાં HMPV કેસોમાં ઉછાળાના મીડિયા અહેવાલો બાદ HMPV કેસની સ્થિતિ અને તેના સંચાલન માટે જાહેર આરોગ્ય પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં સચિવ (ડીએચઆર) ડૉ. રાજીવ બહલ, ડો.(પ્રોફેસર) અતુલ ગોયલ, ડીજીએચએસ; રાજ્યોના આરોગ્ય સચિવો અને અધિકારીઓ, એનસીડીસીના નિષ્ણાતો, આઇડીએસપી, આઇસીએમઆર, એનઆઈવી અને આઇડીએસપીનાં રાજ્ય નિરીક્ષણ એકમો ઉપસ્થિત રહ્યા હતા.

આઈડીએસપીના ડેટા દેશમાં ક્યાંય પણ ILI /SARI કેસોમાં કોઈ અસામાન્ય વધારો સૂચવતા નથી. આઇસીએમઆરના સેન્ટિનલ સર્વેલન્સ ડેટા દ્વારા પણ તેને સમર્થન આપવામાં આવ્યું છે.

કેન્દ્રીય આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે, HMPVથી લોકો માટે ચિંતાનું કોઈ કારણ નથી જે 2001થી વૈશ્વિક સ્તરે હાજર છે. તેમણે રાજ્યોને ILI /SARI સર્વેલન્સને મજબૂત બનાવવા અને તેની સમીક્ષા કરવાની સલાહ આપી હતી. તેમણે પુનરોચ્ચાર કર્યો કે સામાન્ય રીતે શિયાળાના મહિનાઓમાં શ્વસન બિમારીઓમાં વધારો જોવા મળે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, દેશ શ્વસન સંબંધી બીમારીના કેસોમાં કોઈપણ સંભવિત ઉછાળા માટે સારી રીતે તૈયાર છે.

હ્યુમન મેટાપ્ન્યુમોવાયરસ (HMPV) એ ઘણા શ્વસન વાયરસમાંથી એક છે જે તમામ ઉંમરના લોકોમાં ચેપનું કારણ બની શકે છે. ખાસ કરીને શિયાળા અને વસંત ઋતુના પ્રારંભિક મહિનાઓ દરમિયાન તેના કેસ વધુ જોવા મળે છે. વાયરસનો ચેપ સામાન્ય રીતે હળવી અને સ્વ-મર્યાદિત સ્થિતિ હોય છે અને મોટાભાગના કિસ્સાઓમાં જાતે જ સાજા થઈ જવાય છે. આઈસીએમઆર-વીઆરડીએલ પ્રયોગશાળાઓ પાસે પર્યાપ્ત નિદાન સુવિધાઓ ઉપલબ્ધ છે એવી જાણકારી પણ આપવામાં આવી હતી.

રાજ્યોને વાયરસના સંક્રમણને અટકાવવા માટે લોકોમાં આઈઈસી અને જાગરુકતા વધારવાની સલાહ આપવામાં આવી છે. જેમ કે સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવા, ગંદા હાથોથી પોતાની આંખો, નાક કે મોઢાને અડવાનું ટાળવું, રોગના લક્ષણો દર્શાવતા લોકો સાથે નજીકના સંપર્કને ટાળવો, ઉધરસ અને છીંક વગેરે વખતે મોં અને નાકને ઢાંકી દેવા સહિતની સલાહ સામેલ છે.

Leave a Reply