દેશના મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં મતદાનની તારીખ અને મત ગણતરીની તારીખની જાહેરાત કરી હતી. રાજીવ કુમારે કહ્યું કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણી એક જ તબક્કામાં થશે અને 5 ફેબ્રુઆરી મતદાન થશે અને 8 ફેબ્રુઆરી મત ગણતરી હાથ ધરાશે. મહારાષ્ટ્રની જેમ દિલ્હીમાં પણ બુધવારે મતદાન રાખવામાં આવ્યું છે.
રાજીવ કુમારે કહ્યું કે, અગાઉની ચૂંટણીમાં કેટલીક પાર્ટીઓ EVMને લઇને ભારે હંગામો મચાવ્યો હતો, મહિલાઓ સામે ખરાબ ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ચૂંટણી અધિકારીઓને ધમકીની ભાષામાં વાત કરવામાં આવતી હતી. આ વખતે પાર્ટીઓ મહિલાઓ અને અધિકારીઓ સાથે શિષ્ટાચાર રાખે.
દિલ્હીમાં કુલ 70 વિધાનસભા સીટો છે અને આ વખતે AAP, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિશંકુ જંગ છે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે EVM સાથે છેડછાડની વાતમાં કોઈ દમ નથી. કોર્ટે સ્વીકાર્યું છે કે EVM હેક થઈ શકે નહીં. પરંતુ EVM પર શંકા વ્યક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચૂંટણીના સાત-આઠ દિવસ પહેલા EVM તૈયાર થઈ જાય છે. એજન્ટની સામે EVM સીલ કરવામાં આવે છે. મતદાન બાદ EVM સીલ કરવામાં આવે છે. EVMમાં ગેરકાનૂની મત હોવાની કોઈ શક્યતા નથી. EVMની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક છે. EVM એક ફૂલપ્રૂફ ઉપકરણ છે. EVMમાં વાયરસ પ્રવેશી શકતો નથી. ચૂંટણીમાં પારદર્શિતા અમારી પ્રાથમિકતા છે.