કેનેડાને યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ભેળવી દેવા માટે ‘આર્થિક બળ’નો ઉપયોગ કરવાની ધમકી આપ્યાના કલાકો પછી, પ્રમુખ-ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન ધ્વજ સાથે દર્શાવવામાં આવેલ બંને દેશોનો નકશો શેર કર્યો છે. ટ્રમ્પે વારંવાર કેનેડાને તેના 51માં રાજ્ય તરીકે USમાં સામેલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે આ વાત કેનેડાના PM જસ્ટિન ટ્રુડોને પણ કહી હતી, જ્યારે ટ્રુડો રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા પછી માર-એ-લાગો રિસોર્ટમાં તેમને મળવા ગયા હતા.
એક અન્ય પોસ્ટમાં, ટ્રમ્પે US અને કેનેડાનો નકશો શેર કરીને આ દિશામાં આગળનું પગલું ભર્યું, જેમાં ઉત્તર અમેરિકન દેશ યુનાઇટેડ સ્ટેટ્સના 51માં રાજ્ય તરીકે વિલીન થયો. આના થોડાક કલાકો પહેલા જ ટ્રમ્પે તેમના ફ્લોરિડાના ઘર માર-અ લાગો ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં કેનેડાને અમેરિકા સાથે મર્જ કરવા માટે આર્થિક શક્તિનો ઉપયોગ કરવાની ધમકી આપી હતી, જેના પર PM જસ્ટિન ટ્રુડોએ તીખી પ્રતિક્રિયા આપી હતી.
તેમની ટિપ્પણીઓ પર વળતો પ્રહાર કરતા ટ્રુડોએ કહ્યું, ‘કેનેડા યુનાઇટેડ સ્ટેટ્સનો ભાગ બને તેવી કોઈ શક્યતા નથી.’ આ સિવાય કેનેડાના વિદેશ પ્રધાન મેલાની જોલીએ કહ્યું કે, ‘ટ્રમ્પની ટિપ્પણીઓ કેનેડાની ‘સમજદારીનો સંપૂર્ણ અભાવ’ દર્શાવે છે.’ અને ભારપૂર્વક કહ્યું હતું કે, ‘દેશ આવી ધમકીઓ સામે ક્યારેય પીછેહઠ કરશે નહીં.’ તેમણે ઉમેર્યું, ‘પ્રમુખ-ચુંટાયેલા ટ્રમ્પની ટિપ્પણીઓ કેનેડાને મજબૂત દેશ બનાવે છે તેની સંપૂર્ણ સમજણનો અભાવ દર્શાવે છે. અમારું અર્થતંત્ર મજબૂત છે. અમારા લોકો મજબૂત છે.’ તેમણે કહ્યું, ‘અમે આવી ધમકીઓનો સામનો કરીશું અને ક્યારેય પીછેહઠ કરીશું નહીં.’
પનામાના વિદેશ પ્રધાન જેવિયર માર્ટિનેઝ-આચાએ પણ ટ્રમ્પના આવા વિચારને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે, ‘ફક્ત પનામા નહેર પર નિયંત્રણ કરશે અને તે ભવિષ્યમાં પણ આ રીતે ચાલુ રહેશે.’
અહીં તમને જણાવી દઈએ કે, નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની જીત પછી ટ્રમ્પ વારંવાર અમેરિકા અને કેનેડાના વિલીનીકરણનો વિચાર રજૂ કરી ચૂક્યા છે. તેમણે ઘણી વખત મજાકમાં ટ્રુડોને ‘ગ્રેટ સ્ટેટ ઑફ કેનેડા’ના ‘ગવર્નર’ કહ્યા છે. અગાઉ, ટ્રમ્પે ધમકી આપી હતી કે જ્યાં સુધી કેનેડા સરહદની સુરક્ષાને મજબૂત કરવા અને નશાયુક્ત દવાઓ અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના પ્રવાહને રોકવા માટે નોંધપાત્ર પગલાં નહીં લે ત્યાં સુધી કેનેડિયન માલ પર 25 ટકા ટેરિફ લાદશે.