ભારતીય વાયુસેના (IAF)ના વડા એર ચીફ માર્શલ AP સિંહે બુધવારે કહ્યું કે, ભારતનો દરેક નાગરિક એક સૈનિક જેવો છે. તેમણે કહ્યું કે, યુનિફોર્મમાં દેશની સેવા કરવાનો એક અલગ જ આનંદ છે, પરંતુ કોઈપણ વ્યક્તિ લશ્કરી યુનિફોર્મ વગર પણ દેશની સેવા કરી શકે છે. AP સિંહ દિલ્હી કેન્ટોનમેન્ટમાં આયોજિત ગણતંત્ર દિવસ નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) કેમ્પને સંબોધિત કરી રહ્યા હતા. IAF ચીફે કહ્યું કે, રાષ્ટ્રની સેવા યુનિફોર્મ પહેરનારાઓ સુધી મર્યાદિત નથી કે, દેશભક્તિ માત્ર તેમના સુધી જ મર્યાદિત નથી, પરંતુ ‘તે આ દેશના દરેક નાગરિકમાં, દરેક વ્યક્તિમાં છે.’
વાયુસેના પ્રમુખે કહ્યું, ‘મેં સાંભળ્યું છે કે ઘણા કેડેટ્સે સશસ્ત્ર દળો (આર્મી, નેવી અને એરફોર્સ)માં જોડાવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તમે આ કરવા માંગો છો તે ખૂબ જ સારી વાત છે, કારણ કે યુનિફોર્મમાં દેશની સેવા કરવાનો એક અલગ જ આનંદ છે. પરંતુ દેશની સેવા કરવા માટે કોઈએ યુનિફોર્મ પહેરવો જરૂરી નથી. આ આપણે યાદ રાખવું જોઈએ.’
એર ચીફે NCCના પાત્રને રેખાંકિત કર્યું અને કહ્યું કે, તે એવી જગ્યા છે જ્યાં વિવિધ પૃષ્ઠભૂમિના લોકો ‘એકસાથે થઇ જાય છે’ અને ભારતના સારને આત્મસાત કરે છે. તેમણે કહ્યું કે, NCC અને ગણતંત્ર દિવસ શિબિરમાં તાલીમ પામેલા ભારતના યુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે, કારણ કે તેઓ ભારતનું ભવિષ્ય છે, જેઓ ભવિષ્યમાં વિવિધ જવાબદારીઓ નિભાવશે.
AP સિંહે પોતાના મુદ્દા પર ભાર મૂકવા માટે એક શિબિરની મુલાકાતનો ઉલ્લેખ કર્યો. એર ચીફ માર્શલે કહ્યું, ‘ત્યાં કોઈએ કહ્યું હતું કે ‘યુનિફોર્મ પહેરેલો દરેક સૈનિક નાગરિક છે અને યુનિફોર્મ વિનાનો દરેક નાગરિક સૈનિક છે. મને લાગે છે કે આ રીતે જ હોવું જરૂરી છે. આ દેશનો દરેક નાગરિક એક સૈનિક છે અને આપણે દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આનું ધ્યાન રાખવું જોઈએ.’ તેમણે કહ્યું, ‘આપણે યુનિફોર્મ પહેરીએ કે ન પહેરીએ, પરંતુ આપણે દેશની સેવા કરી શકીએ છીએ. અહીં શીખેલા મૂલ્યો તમને જીવનભર માર્ગદર્શન આપશે, પછી ભલે તમે ગમે તે વિકલ્પ (કારકિર્દી) પસંદ કરો.’
આ પ્રજાસત્તાક દિવસ શિબિરમાં દેશભરમાંથી કુલ 2,361 NCC કેડેટ્સ ભાગ લઈ રહ્યા છે, જે 30 ડિસેમ્બરથી શરૂ થઈ હતી અને 27 જાન્યુઆરીએ PMની રેલી સાથે સમાપ્ત થશે. આ વાર્ષિક કાર્યક્રમમાં 917 ગર્લ કેડેટ્સ પણ ભાગ લઇ રહી છે, જે અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી છે.