fbpx

iPhone 17 સીરિઝ પર આ દેશ લગાવી શકે છે પ્રતિબંધ, કારણ પણ જણાવ્યું

એપલની નવીનતમ iPhone 17 શ્રેણી આ વર્ષે લોન્ચ થઈ શકે છે. ચાહકો આની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ, આ શ્રેણીના લોન્ચ પહેલા, એપલ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. ઇન્ડોનેશિયાએ એ વાતનો સંકેત આપ્યો છે કે, જો એપલ સ્થાનિક ઉત્પાદન નિયમોનું પાલન નહીં કરે તો તે દેશમાં iPhone 17ના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકી શકે છે.

ઇન્ડોનેશિયાએ પહેલાથી જ એપલના આઇફોન 16ના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઇન્ડોનેશિયાએ એપલને ચેતવણી આપી છે કે, જો તે તેના ફોન બનાવવા માટે જરૂરી સામગ્રી ત્યાંથી નહીં ખરીદે તો iPhone 17નું વેચાણ પણ બંધ કરી દેવામાં આવશે. ઇન્ડોનેશિયા ઇચ્છે છે કે, એપલ તેના ફોન બનાવવા માટે ઓછામાં ઓછા 40 ટકા સામાન ત્યાં જ બનાવે.

એપલે તાજેતરમાં દેશમાં એરટેગ ટ્રેકિંગ ડિવાઇસ બનાવવા માટે 1 બિલિયન ડૉલરનું રોકાણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ અધિકારીઓ કહે છે કે તે પૂરતું નથી. ઇન્ડોનેશિયામાં એક નિયમ છે કે, સ્માર્ટફોનના 40 ટકા ભાગો ત્યાં જ બનેલા હોવા જોઈએ. જો એપલ ઇન્ડોનેશિયાના આ નિયમોનું પાલન નહીં કરે, તો તેને ત્યાં તેના ફોન વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

ઉદ્યોગ મંત્રી અગસ ગુમિવાંગ કાર્ટાસાસમિતાએ જણાવ્યું હતું કે, જો એપલ આઇફોન 16 વેચવા માંગે છે, અને ખાસ કરીને જો તે આઇફોન 17 લોન્ચ કરવાની યોજના ધરાવે છે, તો નિર્ણય સંપૂર્ણપણે તેમનો છે. તેમણે સંકેત આપ્યો કે, આ પ્રતિબંધ ભવિષ્યના મોડેલો પર પણ લાગુ થઈ શકે છે.

રોકાણ મંત્રી રોઝાના રોએસ્લાનીએ જાહેરાત કરી હતી કે, એપલે 2026ની શરૂઆતમાં એરટેગ સુવિધા કામગીરી શરૂ કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, પરંતુ કાર્ટાસાસમિતાએ આ દરખાસ્તને અપૂરતી ગણાવી હતી, અને કહ્યું હતું કે, નિયમનને પૂર્ણ કરવા માટે ફક્ત ફોનના ઘટકો જ ગણાશે. તેમણે કહ્યું, ‘આજ બપોર સુધીમાં, ઉદ્યોગ મંત્રાલય પાસે એપલ ઉત્પાદનો માટે સ્થાનિક સામગ્રી પ્રમાણપત્ર બહાર પાડ્યાનો આધાર નથી.’

ઇન્ડોનેશિયાની વસ્તી 280 મિલિયન છે અને સક્રિય મોબાઇલ વપરાશકર્તાઓની સંખ્યા 354 મિલિયન છે. તેના વિશાળ ગ્રાહક બજારને કારણે તે વિદેશી કંપનીઓને આકર્ષે છે. એપલે ધીમે ધીમે તેની રોકાણ ઓફરો 10 મિલિયન ડૉલરથી વધારીને વર્તમાન 1 બિલિયન ડૉલર દરખાસ્ત કરી છે, પરંતુ અધિકારીઓ કહે છે કે, દેશમાં કંપનીના વેચાણની તુલનામાં આ આંકડા પૂરતા નથી.

ગયા વર્ષે ઓક્ટોબરમાં ઇન્ડોનેશિયામાં એપલના આઇફોન 16 અને ગૂગલના પિક્સેલ ફોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. એપલ ઇન્ડોનેશિયામાં ચાર ડેવલપર એકેડેમી ચલાવે છે, તેમ છતાં તેણે હજુ સુધી દેશમાં ઉત્પાદન સુવિધા સ્થાપી નથી.

Leave a Reply