fbpx

BCCIએ પહેલા રાહુલને રેસ્ટ આપ્યો અને હવે કહે છે વન-ડે સીરિઝમાં ભાગ લેવો પડશે

ઇંગ્લેન્ડ સામેની ODI શ્રેણી (IND vs ENG)માં KL રાહુલના રમવા અંગે એક મોટો અપડેટ સામે આવી રહ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ રાહુલ અંગેના પોતાના નિર્ણય પર U-ટર્ન લીધો છે. અહેવાલો અનુસાર, રાહુલે અગાઉ ODI શ્રેણીમાંથી આરામ માંગ્યો હતો, જેને BCCIએ મંજૂરી પણ આપી દીધી હતી. પરંતુ હવે BCCI બોર્ડે રાહુલને વનડે શ્રેણીમાં ભાગ લેવા કહ્યું છે.

એક સમાચારપત્રના અહેવાલમાં સૂત્રોને ઉલ્લેખીને કહેવામાં આવ્યું છે કે, રાહુલને ફેબ્રુઆરીમાં યોજાનારી ODI શ્રેણી માટે ઉપલબ્ધ રહેવાનું કહેવામાં આવ્યું છે. સૂત્રએ સમાચારપત્રને જણાવ્યું કે, ‘ભારતીય પસંદગીકારોએ અગાઉ નિર્ણય લીધો હતો કે, રાહુલને ઈંગ્લેન્ડ સામેની સફેદ બોલ શ્રેણી (વનડે અને T20I) માટે આરામ આપવો જોઈએ. પરંતુ હવે બોર્ડે રાહુલને કહ્યું છે કે, તે 3 મેચની ODI શ્રેણીમાં રમશે. BCCIએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે, જેથી રાહુલને થોડી મેચ પ્રેક્ટિસ મળી શકે.’

હકીકતમાં, ઇંગ્લેન્ડની ટીમ 5 T20I અને 3 ODI મેચની શ્રેણી માટે ભારત આવી રહી છે. T20I શ્રેણી 22 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. જ્યારે ODI શ્રેણી 6 ફેબ્રુઆરીથી રમાશે. શ્રેણીની બીજી અને ત્રીજી વનડે મેચ 9 અને 12 ફેબ્રુઆરીએ રમાશે. જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. ભારતે પહેલો મુકાબલો 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમવાનો છે. આવી સ્થિતિમાં, બોર્ડ આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ પહેલા રાહુલને કેટલીક મેચો આપવા માંગે છે.

રાહુલ ભારતની ODI ટીમમાં પ્રથમ પસંદગીના વિકેટકીપર બેટ્સમેન તરીકે રમે છે. અહીં તેને સંજુ સેમસન અને રીષભ પંત તરફથી સ્પર્ધા મળી શકે છે. જ્યારે ટેસ્ટમાં તે ફક્ત બેટ્સમેન તરીકે રમે છે. રાહુલ તાજેતરમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પણ ભારતીય ટીમનો ભાગ હતો, જ્યાં તેણે સારું પ્રદર્શન કર્યું. રાહુલને શ્રેણીની પાંચેય મેચમાં તક આપવામાં આવી હતી. જેમાં તેણે 30.66ની સરેરાશથી 276 રન બનાવ્યા હતા. જ્યારે, તે લાંબા સમયથી T20I ટીમની બહાર છે.

અહીં તમને જણાવી દઈએ કે, અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે, ચેમ્પિયન્સ ટ્રોફી અને ઇંગ્લેન્ડ સામેની શ્રેણી માટે ભારતીય ટીમની પસંદગી 12 જાન્યુઆરીએ થઈ શકે છે. પરંતુ હવે મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, BCCIએ ICC પાસેથી એક અઠવાડિયાનો સમય માંગ્યો છે. હવે ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમની જાહેરાત 19 જાન્યુઆરીએ થઈ શકે છે.

Leave a Reply