fbpx

એક દેશ એવો જ્યાં કામના કલાકો ઘટાડાઈ રહ્યા છે, છતાં દુનિયામાં અનોખી ઓળખ મળી છે!

તાજેતરમાં, લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના ચેરમેન S.N. સુબ્રમણ્યમના નિવેદનથી દેશમાં કરાવાતા કામની પરંપરા પર ચર્ચા શરૂ થઈ ગઈ. તેમણે કર્મચારીઓને રવિવાર સહિત અઠવાડિયામાં 90 કલાક કામ કરવાની સલાહ આપી, જે ઘણા લોકોને વાહિયાત અને અવ્યવહારુ લાગ્યું. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ભારતમાં લોકો પહેલાથી જ વધુ પડતા કામના ભારણનો સામનો કરી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) અનુસાર, સરેરાશ ભારતીય કર્મચારી દર અઠવાડિયે 46.7 કલાક કામ કરે છે. જ્યારે, દેશના 51 ટકા કર્મચારીઓ દર અઠવાડિયે 49 કલાક કે તેથી વધુ કામ કરે છે. આ બાબતમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે ભારતમાં કામના કલાકો અને જીવન જીવવાનું સંતુલન હજુ પણ એક મોટો પડકાર બની રહ્યો છે.

ભારતમાં જ્યારે કામના કલાકો વધારવાની ચર્ચા થઈ રહી છે, ત્યારે જાપાન, જે એક સમયે લાંબા કામના કલાકો માટે કુખ્યાત હતું, હવે એક નવા માર્ગ પર આગળ વધી રહ્યું છે.

જાપાન એક એવો દેશ છે જે લાંબા સમયથી તેની કઠોર કાર્ય સંસ્કૃતિ અને દબાણ માટે જાણીતો છે. આનું સૌથી ભયંકર પાસું કરોશી હતું, એટલે કે વધુ પડતા કામને કારણે થતા મૃત્યુ. પરંતુ હવે જાપાનમાં કામ કરવાની કાર્ય પદ્ધતિમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. જાપાનમાં, 2022માં જ, લગભગ 3,000 લોકોએ વધુ પડતા કામને કારણે આત્મહત્યા કરી છે, જ્યારે ઘણા લોકો સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. લાંબા કામના કલાકો અને લક્ષ્યો પૂરા કરવાનું દબાણ લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી રહ્યું છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, જાપાનમાં વાર્ષિક કામકાજના કલાકોમાં તીવ્ર ઘટાડો થયો છે. જ્યારે 2000માં સરેરાશ કામના કલાકો 1,839 કલાક હતા. 2022 સુધીમાં, તે ઘટાડીને 1,626 કલાક કરવામાં આવ્યું. એટલે કે 11.6 ટકાનો ઘટાડો. આ પરિવર્તન જાપાનને એવા યુરોપિયન દેશોની નજીક લાવી રહ્યું છે, જ્યાં કામ કરવાના કલાકો અને જીવન જીવવાના સંતુલનને પ્રાથમિકતા આપવામાં આવે છે.

આ પરિવર્તન પાછળ જાપાનની યુવા પેઢીનો મોટો ફાળો છે. તેમની પ્રાથમિકતા હવે લાંબા કામના કલાકોને બદલે કામ કરવાના કલાકો અને જીવન જીવવાને સંતુલન બનાવવાની છે.

ઉદાહરણ તરીકે, 2000માં, 20-29 વર્ષની વયના પુરુષો દર અઠવાડિયે સરેરાશ 46.4 કલાક કામ કરતા હતા, જે હવે ઘટીને 38.1 કલાક થઈ ગયા છે. જાપાનના કોમ્યુનિકેશન એક્સપર્ટ માકોટો વતનબેના મતે, આ ટ્રેન્ડ આજના યુવાનોની બુદ્ધિમત્તા દર્શાવે છે. હવે યુવાનો વ્યક્તિગત લાભ વિનાની મહેનતને શોષણ માને છે અને તેને નકારી રહ્યા છે.

જાપાનમાં મજૂરોની અછતએ પણ આ પરિવર્તનને વેગ આપ્યો છે. કંપનીઓ હવે કર્મચારીઓને આકર્ષવા માટે વધુ સારી કાર્યકારી પરિસ્થિતિઓ અને સુવિધાઓ આપી રહી છે. જ્યાં પહેલા પગાર વિના ઓવરટાઇમ કામ સામાન્ય હતું, હવે યુવાન કર્મચારીઓ વધુ સારા વેતન અને જીવન જીવવાની ગુણવત્તાનો આનંદ માણી રહ્યા છે.

રિક્રુટ વર્ક્સ ઇન્સ્ટિટ્યૂટના વિશ્લેષક તાકાશી સકામોટોના જણાવ્યા અનુસાર, 2000થી 20-29 વર્ષની વયના કામદારોના પગારમાં 25 ટકાનો વધારો થયો છે, જ્યારે તેમના કામના કલાકો ઘટાડવામાં આવ્યા છે.

જો કે આ પરિવર્તન સકારાત્મક હોવા છતાં, તેને સંપૂર્ણપણે સ્વીકારવું સરળ નહોતું. જૂની પેઢી, જેમણે લાંબા કલાકોની મહેનત પર પોતાની કારકિર્દી બનાવી છે, તેઓ નવી પેઢીના આ વિચાર સાથે જોડાયેલા અનુભવતા નથી.

Leave a Reply