fbpx

મહાકુંભમાં આવતી કરોડોની ભીડની ગણતરી કેવી રીતે થાય છે?પ્રક્રિયા જાણીને નવાઈ લાગશે

પ્રયાગરાજ ખાતે આયોજિત મહા કુંભ મેળા 2025માં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. પોષ પૂર્ણિમાના દિવસે, લગભગ 1.5 કરોડ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું હતું અને મકરસંક્રાંતિના દિવસે, 3.5 કરોડથી વધુ ભક્તોએ સંગમમાં સ્નાન કર્યું હતું. આ ઉપરાંત, દરરોજ લગભગ 50 લાખ લોકો સ્નાન કરે છે. મહાકુંભમાં આટલી મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા આવે છે, ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આટલી મોટી ભીડની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે.

મહાકુંભ જેવા વિશાળ કાર્યક્રમમાં આવનારા ભક્તોની સંખ્યાનો સચોટ અંદાજ કાઢવો એ સરળ કાર્ય નથી હોતું. આ પ્રક્રિયા સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અને આંકડાકીય પદ્ધતિઓ પર આધારિત છે. 100-200 વર્ષ પહેલાં, જ્યારે મેળાનું આયોજન આટલા મોટા પાયે નહોતું થતું, ત્યારે અવરોધો મૂકીને ભક્તોની ગણતરી કરવામાં આવતી હતી. રેલ્વે ટિકિટ વેચાણના આંકડા પણ મદદરૂપ થતા હતા. 1882ના કુંભમાં, બ્રિટિશ વહીવટીતંત્રે 10 લાખ લોકોના આગમનનો અંદાજ લગાવ્યો હતો, જ્યારે 1918ના કુંભમાં, આ સંખ્યા વધીને 30 લાખ થઈ ગઈ હતી.

2013 પહેલા, મેળામાં આવનારા લોકોની સંખ્યાનું મૂલ્યાંકન જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિક્ષકના અહેવાલના આધારે કરવામાં આવતું હતું. આમાં ટ્રેનો, બસો અને ખાનગી વાહનોના ટ્રાફિક ડેટાનો સમાવેશ થાય છે. સાધુ સંતો અને અખાડાઓ પાસેથી પણ ભક્તો વિશે માહિતી એકત્રિત કરવામાં આવતી હતી. જોકે, સમય જતાં ભીડ વધવા અને ટ્રાફિક વ્યવસ્થાપનની જટિલતાને કારણે આ કાર્ય વધુ પડકારજનક બન્યું.

2013ના મહાકુંભમાં, વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને પ્રથમ વખત ગણતરી કરવામાં આવી હતી. સ્નાન માટે જરૂરી જગ્યા અને સમયનું મૂલ્યાંકન કરીને ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. એક વ્યક્તિને સ્નાન કરવા માટે 0.25 ચોરસ મીટર જગ્યા અને 15 મિનિટનો સમય જોઈએ છે. આ આધારે, એક ઘાટ પર એક કલાકમાં 12,500 લોકો સ્નાન કરી શકે છે. 2025ના મહાકુંભમાં સ્નાન માટે 44 ઘાટ તૈયાર કરવામાં આવ્યા છે, જે પ્રક્રિયાને વ્યવસ્થિત બનાવે છે.

આ વખતે મેળાના વહીવટીતંત્રે ભક્તોની ગણતરી માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. મેળામાં 200 સ્થળોએ કામચલાઉ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. પ્રયાગરાજમાં 268 સ્થળોએ 1,107 કેમેરા લગાવવામાં આવ્યા છે, જ્યારે 100થી વધુ પાર્કિંગ સ્થળોએ 700 કેમેરા વાહનો અને ભક્તોની ગણતરીમાં મદદ કરી રહ્યા છે. આ કેમેરાઓની મદદથી ભીડનું સચોટ મૂલ્યાંકન શક્ય બન્યું છે.

હોડીઓ, ટ્રેનો, બસો અને ખાનગી વાહનો દ્વારા આવતા લોકોની ગણતરી કરીને તેમજ સાધુઓ, સંતો અને અખાડાઓમાં આવતા ભક્તોની ગણતરી કરીને શ્રદ્ધાળુઓની સંખ્યાનો અંદાજ લગાવવામાં આવે છે. જોકે, એ ધ્યાન રાખવું અગત્યનું છે કે, એક જ વ્યક્તિની ગણતરી ઘણી વખત થઈ શકે છે, કારણ કે ઘણા લોકો જુદા જુદા ઘાટ પર સ્નાન કરે છે અથવા મેળાના જુદા જુદા ભાગોમાં ફરતા રહેતા હોય છે.

મહા કુંભ મેળો 2025એ એક મોટું આયોજન છે, જે ફક્ત આધ્યાત્મિકતાનું પ્રતીક જ નથી, પરંતુ તે એ પણ દર્શાવે છે કે, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ પરંપરાઓનું આયોજન કરવામાં કેવી રીતે મદદ કરી શકે છે. આ મેળો ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને સેવાની ભાવનાનું એક અદ્ભુત ઉદાહરણ છે.

Leave a Reply