સુરતના વરાછા વિસ્તારમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. માતાવાડી વિસ્તારમાં આવેલી એક વાડીમાં બિહારના પરિવારના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. કન્યા પક્ષ તરફથી રાખવામાં આવેલું ભોજન ખલાસ થઇ જતા જાનૈયાઓ નારાજ થયા હતા અને મોટી બબાલ ઉભી થઇ હતી. વરરાજા જાનૈયાઓ સાથે લીલા તોરણે પાછા ફરી ગયા હતા. કન્યા અને પરિવાર વરાછા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
પોલીસની ટીમે વરરાજા અને તેના પરિવારના લોકોને સમજાવ્યા હતા અને આખરે વરરાજા માની જતા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. ફરીથી વાડીમાં લગ્નની વાત થઇ હતી, પરંતુ કન્યાના પરિવારે કહ્યું કે, ફરી વાડી પર જઇશું તો ઝઘડો થશે. એટલે વરાછા પોલીસ સ્ટેશનમાં જ લગ્નની વીધી પુરી કરી દેવામાં આવી.
