fbpx

પૂર્વ CMની એક્ટર પુત્રી આરુષિ સાથે 4 કરોડની છેતરપિંડી, ફિલ્મમાં રોલ ન મળ્યો

Spread the love

ઉત્તરાખંડના ભૂતપૂર્વ CM રમેશ પોખરિયાલ નિશંકની પુત્રી અને અભિનેત્રી આરુષિ નિશંકે મુંબઈ સ્થિત બે ફિલ્મ નિર્માતા માનસી વરુણ બાગલા અને વરુણ પ્રમોદ કુમાર બાગલા પર 4 કરોડ રૂપિયાની છેતરપિંડી, માનસિક ત્રાસ અને ધમકીઓના ગંભીર આરોપો લગાવ્યા છે. આ મામલે દેહરાદૂન કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

આરુષિ નિશંક, જે ફિલ્મ નિર્માણ અને અભિનય ક્ષેત્રે કામ કરે છે. તેણે આરોપ લગાવ્યો કે બે નિર્માતાઓએ તેને છેતરીને તેની પાસેથી મોટી રકમની છેતરપિંડી કરી. આરુષિના જણાવ્યા મુજબ, બંને નિર્માતાઓ તેના ઘરે આવ્યા અને પોતાને ફિલ્મ્સ પ્રોડક્શન લિમિટેડના ડિરેક્ટર તરીકે રજૂ કર્યા અને દાવો કર્યો કે તેઓ ‘આંખો કી ગુસ્તાખિયાં’ ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મમાં શનાયા કપૂર અને વિક્રાંત મેસી મુખ્ય ભૂમિકામાં હતા. આવી સ્થિતિમાં, આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે એક અભિનેત્રીની જરૂર છે.

આરુષિએ આરોપ લગાવ્યો કે, નિર્માતાઓએ તેને કહ્યું હતું કે જો તે ફિલ્મમાં 5 કરોડ રૂપિયાનું રોકાણ કરશે તો તેને માત્ર ભૂમિકા જ નહીં પરંતુ ફિલ્મના કુલ નફાના 20 ટકા પણ મળશે. આ ઉપરાંત, તેમણે એ પણ ખાતરી આપી હતી કે, જો તેને ભૂમિકા પસંદ ન આવે અથવા સંતુષ્ટ ન હોય, તો તેના દ્વારા ચૂકવવામાં આવેલી સંપૂર્ણ રકમ 15 ટકા વ્યાજ સાથે પરત કરવામાં આવશે.

આરુષિ તેના ફાંદામાં ફસાઈ ગઈ અને 9 ઓક્ટોબર 2024ના રોજ એક MOU પર હસ્તાક્ષર થયા. બીજા જ દિવસે, 10 ઓક્ટોબર, 2024ના રોજ, આરુષિ પાસેથી 2 કરોડ રૂપિયા લેવામાં આવ્યા. આ પછી, જુદા જુદા દબાણો કરીને અને નવા બહાના બનાવીને, 19 નવેમ્બર 2024, 27 ઓક્ટોબર 2024 અને 30 ઓક્ટોબર 2024ના રોજ મળીને કુલ 4 કરોડ રૂપિયા વસૂલી લેવામાં આવ્યા.

આરુષિ કહે છે કે, આ નિર્માતાઓએ ન તો તેનું પ્રમોશન કર્યું કે ન તો સ્ક્રિપ્ટને અંતિમ સ્વરૂપ આપ્યું અને અંતે તેને ફિલ્મમાંથી કાઢી પણ નાખી. જ્યારે તેણે પોતાના પૈસા પાછા માંગ્યા ત્યારે તેને કહેવામાં આવ્યું કે, ફિલ્મનું શૂટિંગ ભારતમાં પૂર્ણ થઈ ગયું છે અને હવે તેનું શૂટિંગ યુરોપમાં થવાનું છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તેની જગ્યાએ બીજી કોઈ અભિનેત્રીને લેવામાં આવી છે.

એટલું જ નહીં, આરુષિએ આરોપ લગાવ્યો કે, આ નિર્માતાઓએ તેમની ફિલ્મ ટીમ સાથે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો હતો, જેમાંથી આરુષિનો ફોટો જાણી જોઈને દૂર કરવામાં આવ્યો હતો અને તેનું નામ પણ ઉલ્લેખવામાં આવ્યું ન હતું. જ્યારે મૂળ ફોટામાં તેનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

આરુષિએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, જ્યારે તેણે તેના પૈસા પાછા માંગવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની, બદનક્ષી કરવાની અને ખોટા કેસોમાં ફસાવવાની ધમકી આપવામાં આવી હતી.

આ ઉપરાંત, નિર્માતાઓએ વંશીય ભેદભાવ અને બોડી શેમિંગના આરોપો પણ લગાવ્યા હતા. તેમણે કહ્યું કે, આ નિર્માતાઓએ તેમના ગઢવાલી પૃષ્ઠભૂમિની મજાક ઉડાવી અને અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો.

આરુષિએ બંને નિર્માતાઓ વિરુદ્ધ છેતરપિંડી, માનસિક ત્રાસ, ધમકી, ગુનાહિત કાવતરું અને IT એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. આ સાથે આરુષિએ પોલીસને તાત્કાલિક કાર્યવાહી કરવા અને છેતરપિંડીની 4 કરોડ રૂપિયાની રકમ પાછી અપાવવા માટે પણ કહ્યું છે. હાલમાં પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

SP સિટી દેહરાદૂન પ્રમોદ કુમારે મીડિયા સૂત્રને ફોન પર માહિતી આપી અને જણાવ્યું કે, આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે. તપાસ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

error: Content is protected !!