કેજરીવાલને હરાવવા કોઈ કસર ન છોડી છતા AAP છોડવા તૈયાર નથી સ્વાતિ, જણાવ્યું કારણ

Spread the love

આમ આદમી પાર્ટી (AAP)ના સાંસદ અને દિલ્હી મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ફરી એકવાર પોતાની જ પાર્ટી વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં AAPની કારમી હાર પછી CM પદ છોડી રહેલા આતિશી પર તેમણે નિશાન સાધ્યું. સ્વાતિ માલીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરીને આતિશીને આડે હાથ લીધા. આ વીડિયોમાં, આતિશી પોતાની જીતની ઉજવણી કરતી વખતે તેના સમર્થકો સાથે ડાન્સ કરી રહી હતી. માલીવાલે તીક્ષ્ણ પ્રશ્ન ઉઠાવ્યો, ‘જ્યારે આખી પાર્ટી હારી ગઈ, મોટા નેતાઓ ચૂંટણી હારી ગયા, તો પછી આતિશી શેની ઉજવણી કરી રહી છે?’

AAPના ઘણા મોટા ચહેરાઓ જેમ કે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સૌરભ ભારદ્વાજ, રાખી બિરલન અને સોમનાથ ભારતીને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. આતિશીએ કાલકાજી બેઠક પરથી BJPના ઉમેદવાર રમેશ બિધુરીને 3,521 મતોથી હરાવીને જીત મેળવી. દિલ્હીમાં AAP વિરુદ્ધ પ્રચાર કરવા અંગે, માલીવાલે સ્પષ્ટતા કરી કે તેણે કોઈ પણ પક્ષને ટેકો આપ્યો નથી, પરંતુ લોકોના ગુસ્સાનો અવાજ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું, ‘લોકો ખૂબ ગુસ્સે હતા, દિલ્હીની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે, શહેર કચરાના ઢગલા જેવું બની ગયું છે. અરવિંદ કેજરીવાલ અને આતિશી AC રૂમમાં પ્રેસ કોન્ફરન્સ કરે છે, જ્યારે હું જમીન પર કામ કરું છું.’

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ AAPની હારથી ખુશ છે, ત્યારે તેઓ ભાવુક થઈ ગયા અને કહ્યું, ‘મને જૂઠી કહેવામાં આવી, મારી વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું. એક સ્ત્રી સામે હિંસા થઈ, અને ભગવાને તેમને તેના માટે સજા આપી છે.’

સ્વાતિ માલીવાલ પાર્ટી છોડવાનો ઇનકાર કરતા કહે છે, ‘મેં AAPને 12 વર્ષ આપ્યા છે. આ પાર્ટી ફક્ત અરવિંદ કેજરીવાલની જાગીર નથી. તેમના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે, પાર્ટીના આંતરિક મતભેદો વધુ ઘેરા બની રહ્યા છે.

માલીવાલે BJP સરકારને કહ્યું કે, દિલ્હીમાં જનલોકપાલ લાવવાની વાત કરનારા અરવિંદ કેજરીવાલે 2016થી વિધાનસભામાં CAG રિપોર્ટ રજૂ કર્યો નથી. તેમણે અપીલ કરી, ‘નવી સરકારે CAG રિપોર્ટ ગૃહમાં રજૂ કરવો જોઈએ, જેથી જનતા વાસ્તવિક સત્ય જાણી શકે.’

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચૂંટણીમાં BJPએ 48 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી મેળવી હતી, જ્યારે AAP માત્ર 22 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. કોંગ્રેસ સતત ત્રીજી વખત ખાતું ખોલાવી શકી નથી. સ્વાતિ માલીવાલના આ નિવેદનોથી સ્પષ્ટ થાય છે કે, AAPની આંતરિક સ્થિતિ સારી નથી અને પાર્ટીના ભવિષ્ય પર ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

error: Content is protected !!