

મહાકુંભ 2025 દરમિયાન, શ્રદ્ધાળુઓ, ભક્તોની ભારે ભીડ સતત ઉમટી રહી છે, જેના કારણે રેલ્વે સ્ટેશનો પર ભારે ભીડ અને આંધાધુંધીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રયાગરાજ કુંભમા જવા માટે ખાસ ટ્રેનોમાં મુસાફરોનો ભારે ધસારો હજુ ચાલુ જ છે, જેના કારણે ઘણા ન ધારેલા દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે. વારાણસી કેન્ટ રેલ્વે સ્ટેશન પર પણ આવું જ એક ચોંકાવનારું દૃશ્ય જોવા મળ્યું હતું, જ્યારે પ્રયાગરાજ જવા માટે મુસાફરોએ મહા કુંભ સ્પેશિયલ ટ્રેનના એન્જિન પર કબજો જમાવ્યો હતો.


હકીકતમાં, શનિવારે રાત્રે લગભગ 1:30 વાગ્યે, પ્રયાગરાજ જતી મહાકુંભ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર-2 પર ઉભી હતી. ટ્રેનમાં પહેલેથી જ ભારે ભીડ જમા થઇ ગઈ હતી, પરંતુ જ્યારે મુસાફરોને ટ્રેનની અંદર સીટ ન મળી, ત્યારે કેટલાક મુસાફરો તો ટ્રેનના એન્જિનમાં જ ચઢી ગયા અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો, જ્યારે ટ્રેનના લોકો પાઇલટે પોતાની કેબિનમાં જવાનો પ્રયાસ કર્યો ત્યારે મુસાફરોએ દરવાજો ખોલવાનો પણ ઇનકાર કરી દીધો હતો.

પરિસ્થિતિ બગડતી જોઈને, રેલ્વે વહીવટીતંત્રે તાત્કાલિક રેલ્વે પ્રોટેક્શન ફોર્સ (RPF)ને બોલાવી. સુરક્ષા કર્મીઓએ મુસાફરોને સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ ભીડ ત્યાંથી ખસવા પણ તૈયાર ન હતી. છેવટે, રેલવે સુરક્ષાના જવાનોએ બળપ્રયોગ કરી અને કડક હાથે કામ લઈને મુસાફરોને એક પછી એક એન્જિનમાંથી નીચે ઉતાર્યા હતા. આ દરમિયાન કેટલાક મુસાફરોએ વિરોધ પણ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ કડકાઈ દાખવી અને એન્જિન ખાલી કરાવ્યું હતું. આ પછી લોકો પાઇલટે રેલ એન્જિનનું નિયંત્રણ પોતાના હાથમાં લીધું અને ત્યારપછી જ ટ્રેન આગળ વધી શકી હતી.
મહાકુંભના ત્રણ શાહી સ્નાન સમાપ્ત થઈ ગયા છે, પરંતુ ત્યાં જવા માટે ભક્તોની ભીડ ઓછી થઈ રહી નથી. રેલ્વે સ્ટેશનો પર અંધાધૂંધી એવી જ છે, જેના કારણે ટ્રેનોનું સંચાલન પણ ખોરવાઈ રહ્યું છે. રેલ્વે પ્રશાસને મુસાફરોને નિયમોનું પાલન કરવા અને મુસાફરીને સલામત અને વ્યવસ્થિત બનાવવામાં સહયોગ આપવા અપીલ કરી છે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રયાગરાજ માટે વધારાની ટ્રેનો સતત ચલાવવામાં આવી રહી છે, પરંતુ ભીડ એટલી વધી રહી છે કે પરિસ્થિતિને સંભાળવી મુશ્કેલ બની રહી છે. રેલવે અને સુરક્ષા દળો મુસાફરોની સુરક્ષા માટે સતત કામ કરી રહ્યા છે અને આવી ઘટનાઓને રોકવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
