

ભારતનો પડોશી દેશ શ્રીલંકા વાંદરાઓના કારણે મોટી વીજળી કટોકટીમાં ફસાઈ ગયો છે. રવિવારે દેશવ્યાપી વીજળી કાપ પછી શ્રીલંકાના સત્તાવાળાઓ વીજળી પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ જાહેરાત રાજ્ય માલિકીની વીજ ઉત્પાદક અને સપ્લાયર, સિલોન ઇલેક્ટ્રિસિટી બોર્ડ (CEB) દ્વારા કરવામાં આવી હતી. CEB અનુસાર, દેશના પશ્ચિમી પ્રાંતમાં પનાદુરા ગ્રીડ સબસ્ટેશનમાં કટોકટીના કારણે પાવર કટ થયો હતો.


એક સમાચાર એજન્સી અનુસાર, રવિવાર, 9 ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સમય મુજબ સવારે 11:30 વાગ્યે વીજળી ગુલ થઇ ગઈ હતી અને ત્રણ કલાકથી વધુ સમય સુધી તે એમ જ રહ્યું. અધિકારીઓ વીજ પુરવઠો સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યા છે. CEBના અધ્યક્ષ તિલક સિયામ્બલપતિયાએ જનતાને ખાતરી આપી હતી કે, વીજળી પુનઃસ્થાપિત કરવા માટે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ઉર્જા મંત્રાલયના સચિવ પ્રોફેસર ઉદયંગા હેમપાલએ પુષ્ટિ આપી કે, રાષ્ટ્રીય ગ્રીડમાં અસંતુલનને કારણે વીજળી ગુલ થઈ હતી. સ્થાનિક મીડિયાએ ઉર્જા મંત્રી કુમારા જયકોડીનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, વાંદરાઓના એક જૂથે સબસ્ટેશનમાં ઘૂસીને નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે વીજળી ગુલ થઈ ગઈ હતી. મંત્રીએ કહ્યું કે આ પ્રાણીઓ ‘આપણા ગ્રીડ ટ્રાન્સફોર્મરના સંપર્કમાં આવ્યા હતા જેના કારણે સિસ્ટમમાં અસંતુલન સર્જાયું હતું.’

આ દરમિયાન, રાષ્ટ્રીય પાણી પુરવઠા અને ડ્રેનેજ બોર્ડે જનતાને વીજળી સંપૂર્ણપણે પુનઃસ્થાપિત ન થાય ત્યાં સુધી પાણીનો બચાવ કરવા અપીલ કરી. જો કે કેટલાક વિસ્તારોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી હોવા છતાં, આ વીજળી કાપ કેટલો સમય ચાલુ રહેશે તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી. 22 મિલિયન લોકોની વસ્તી ધરાવતા આ ટાપુ રાષ્ટ્રમાં હોસ્પિટલો અને વ્યવસાયો જનરેટર અથવા ઇન્વર્ટરનો ઉપયોગ કરી રહ્યા છે.

તાજેતરના વર્ષોમાં શ્રીલંકામાં સબસ્ટેશનમાં સમસ્યાઓના કારણે અનેક વખત દેશવ્યાપી વીજળી ગુલ થઈ ગઈ હતી. 2022ના ઉનાળામાં, જ્યારે દેશ આર્થિક સંકટમાં ફસાયેલો હતો, ત્યારે શ્રીલંકાના લોકોએ ઘણા મહિનાઓ સુધી વીજળી કાપનો સામનો કરવો પડ્યો હતો.
2023 શ્રીલંકામાં થયેલો બ્લેકઆઉટ એ 9 ડિસેમ્બર, 2023ના રોજ શ્રીલંકામાં થયેલા રાષ્ટ્રવ્યાપી વીજળી ગુલ થવાની શ્રેણી હતી. સ્થાનિક સમય મુજબ સાંજે ૫ વાગ્યે અંધારપટ શરૂ થયો અને ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલ્યો. દેશની મુખ્ય સપ્લાય ચેઇનમાં વ્યવસ્થિત નિષ્ફળતા અને કોટમાલે બિયાગામા ટ્રાન્સમિશન લાઇનના ભંગાણને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. 2016માં પણ, દેશભરમાં વીજળી કાપનો સામનો કરવો પડ્યો હતો.


