‘દિલ્હીમાં BJP અમારા કારણે જીતી’; કોંગ્રેસ નેતાએ પોતાની જ પાર્ટી પર સવાલ ઉઠાવ્યા

Spread the love

દિલ્હીની ચૂંટણી લડાઈમાં આમ આદમી પાર્ટીની હાર અને BJPની જીત પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાશિદ અલ્વીએ ચોંકાવનારી ટિપ્પણી કરી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય રાજધાનીમાં અમારા કારણે જીતી છે. આ ચૂંટણી પરિણામો દિલ્હીના મુસ્લિમ સમુદાય માટે ચિંતાનો વિષય હોવા જોઈએ. તેમણે કહ્યું કે, જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડ્યા હોત તો BJP જીતી ન શકત. જો આપણે BJPને હરાવવું હોય તો આપણે INDIA ગઠબંધનના તમામ પક્ષોનું સન્માન કરવું પડશે. ઉપરાંત, ગઠબંધનને મજબૂત બનાવવું પડશે અને ચૂંટણીઓ એક થઈને લડવી પડશે.

દિલ્હી ચૂંટણી પરિણામો પર કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે, ‘જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સાથે મળીને દિલ્હી ચૂંટણી લડી હોત તો ભારતીય જનતા પાર્ટી જીતી ન શકત. કોંગ્રેસ હાઈકમાન્ડે નક્કી કરવાનું છે કે, આપણે આપણા સાથી પક્ષો સાથે જવું છે કે, એકલા ચૂંટણી લડવી છે. દિલ્હીમાં જે કંઈ બન્યું છે તે દિલ્હીના મુસ્લિમો માટે ચિંતાનો વિષય છે. આ દિલ્હીની ચૂંટણીએ તેમને એવું વિચારવા મજબૂર કરી દીધા છે કે, BJP અમારા (કોંગ્રેસ) કારણે ચૂંટણી જીતી છે. જો આપણે BJPને હરાવવું હોય તો આપણે INDIA ગઠબંધનમાં સામેલ તમામ પક્ષોનું સન્માન કરવું પડશે અને ગઠબંધનને મજબૂત બનાવવું પડશે.’

લગભગ 27 વર્ષ પછી રાષ્ટ્રીય રાજધાનીમાં BJP સત્તામાં આવ્યું છે. કોંગ્રેસનું પ્રદર્શન ફરી એકવાર નિરાશાજનક રહ્યું. પાર્ટી એક પણ બેઠક જીતી શકી નહીં. 8 ફેબ્રુઆરીએ આવેલા ચૂંટણી પરિણામોમાં, BJP 70માંથી 48 બેઠકો જીતીને સત્તામાં પાછી આવી છે. આમ આદમી પાર્ટીને 22 બેઠકો મળી છે. કોંગ્રેસનું ખાતું પણ ખુલી શક્યું નહીં.

મત ટકાવારીની વાત કરીએ તો, છેલ્લા 10 વર્ષમાં દિલ્હીમાં BJPનો મત હિસ્સો લગભગ 13 ટકા વધ્યો છે. આ સમયગાળા દરમિયાન AAPના વોટ શેરમાં લગભગ 10 ટકાનો ઘટાડો થયો છે. આ વખતે બંને પક્ષો વચ્ચે મતોની ટકાવારીમાં ફક્ત બે ટકાનો તફાવત હતો. 2020ની ચૂંટણીમાં AAPનો વોટ શેર 53.57 ટકાથી ઘટીને આ વખતે 43.57 ટકા થઇ ગયો છે.

2015ની વિધાનસભા ચૂંટણીમાં AAPને 54.5 ટકા મત મળ્યા હતા. 2020 અને 2015માં, પાર્ટીએ અનુક્રમે 67 અને 62 બેઠકો જીતીને પ્રચંડ બહુમતી મેળવી. BJPને 45.56 ટકા મત મળ્યા અને પાર્ટીએ 48 બેઠકો જીતી. 2020માં BJPનો વોટ શેર 38.51 ટકા અને 2015ની ચૂંટણીમાં 32.3 ટકા હતો.

1998થી 2013 સુધીના 15 વર્ષ દરમિયાન દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી. આ વખતે તેને 6.34 ટકા વોટ શેર મળ્યો. કોંગ્રેસ માટે એકમાત્ર રાહત એ હતી કે, તેનો વોટ શેર ગયા વખતની સરખામણીમાં 2.1 ટકા વધ્યો.

error: Content is protected !!