
શિવસેના (UBT)ના ધારાસભ્ય અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ દાવો કર્યો હતો કે આજે જે અમારી સાથે થયું છે તે કાલે બિહારમાં નીતિશ કુમાર સાથે પણ થઈ શકે છે. તેમની સીટ પણ જતી રહેશે અને ભાજપ સત્તા પ્રાપ્ત કરી લેશે. તેમણે આરોપ લગાવ્યો કે ભાજપનું એવું સપનું છે દરેક પ્રાદેશિક પાર્ટીને તોડવામાં આવે અને ખતમ કરવામાં આવે. અરવિંદ કેજરીવાલને મળવા આવેલા આદિત્યએ મીડિયા સાથે વાત કરવા દરમિયાન આ વાતો કહી.

આદિત્ય ઠાકરેની પાર્ટી એક સમયે NDAનો હિસ્સો હતી. તેમના નિવેદન બાદ દિલ્હીથી બિહાર સુધી રાજકીય ગરમાવો આવી ગયો. તેમના નિવેદન પર રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. RJDના પ્રવક્તા એજાજ અહમદે કહ્યું કે, આદિત્ય ઠાકરેએ વ્યક્ત કરેલી ચિંતા કરી છે તે વ્યાજબી છે. ભારતીય જનતા પાર્ટી તેના ગઠબંધન સહયોગીઓ સાથે આવા જ કૃત્ય કરે છે.
JDUએ કર્યો પલટવાર
JDUના કાર્યકારી અધ્યક્ષ સંજય ઝાએ કહ્યું કે, ચાંદીની ચમચીવાળા રાજકારણીઓ હોય છે, તેમને જમીની વાસ્તવિકતાની ખબર નથી. અત્યારે નવા-નવાપોલિટિક્સમાં આવ્યા છે. તેઓ પોતાની ચિંતા કરે. અમારી પાર્ટીની ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. બીજી તરફ, ભાજપના નેતા સંજય મયુખે આદિત્ય ઠાકરેના નિવેદન પર કહ્યું કે અમે તેમને છોડ્યા નથી, તેમણે અમને છોડી દીધા છે. અમારી પાર્ટી સૌનો સાથ અને સૌના વિકાસમાં માને છે. અમે જ્યાં પણ ગઠબંધનમાં છીએ, ત્યાં તેનું પાલન કરીએ છીએ.

ઉલ્લેખનીય છે કે બિહારમાં આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. હાલમાં, બિહારમાં NDAની સરકાર છે જેમાં નીતિશ કુમાર, ભાજપ, જીતન રામ માંઝી અને ચિરાગ પાસવાનની પાર્ટી સામેલ છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે ઘણા મંચો પરથી કહ્યું છે કે તેઓ હવે મહાગઠબંધન સાથે નહીં જાય. મહાગઠબંધન સાથે જવું એ તેમની ભૂલ હતી.