
આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અરવિંદ કેજરીવાલ નવી મુશ્કેલીમાં ફસતા નજરે પડી રહ્યા છે. તાજેતરનો મામલો તેમના કાર્યકાળ દરમિયાન બનાવવામાં આવલા ‘શીશ મહેલ’ને લઇને છે. જ્યાં રોહિણીના ભાજપના ધારાસભ્ય વિજેન્દ્ર ગુપ્તાની ફરિયાદ પર સેન્ટ્રલ વિજિલન્સ કમિશન(CVC)એ તપાસના આદેશ આપ્યા છે. CVCના આદેશ બાદ આમ આદમી પાર્ટી ભાજપ પર પ્રહારો કરી રહી છે તો બીજી તરફ ચૂંટણીમાં જીતથી ખુશ ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે જેણે દિલ્હીને લૂંટ્યું છે, તેણે પરત કરવું પડશે અને જનતાને હિસાબ આપવો પડશે.
વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે, જ્યારે વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ થશે, જ્યારે CVC ‘શીશ મહેલ’ની તપાસ કરશે. નિયમોને નેવે મુકીને જે પ્રકારે આમ આદમી પાર્ટીના પૈસાનો દુરુપયોગ કરતા અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી તરીકે જે કર્યું તે કોઈ ગુનાથી ઓછું નથી. તો, દિલ્હી પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, કોંગ્રેસે સમય-સમય પર શીશ મહેલનો મુદ્દો ઉઠાવ્યો છે. જેને કારણે આજે આ મામલો તપાસના દાયરામાં આવ્યો છે. તેમને આશા છે કે CVC તપાસમાં બધુ સ્પષ્ટ થઈ જશે.

વિજેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે, કેજરીવાલે આ ઈમારતનું નિર્માણ કરાવતી વખતે ભવન નિર્માણના નિયમોની વિરુદ્ધ જઇને તેનું નિર્માણ કરાવ્યું હતું. તેમની ફરિયાદમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે 8 એકર (લગભગ 40,000 ચોરસ યાર્ડ)માં ફેલાયેલા ભવ્ય ‘શીશ મહેલ’ના નિર્માણ માટે નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. દિલ્હીના રાજપુર રોડ પર પ્લોટ નંબર 45 અને 57ને, જે એક સમયે અધિકારીઓ અને ન્યાયાધીશોના આવાસ હતા, કેજરીવાલે તેમને ધ્વસ્ત કરીને તેને પોતાના નવા આવાસમાં સામેલ કરી લીધી.
આ સ્પષ્ટપણે ગ્રાઉન્ડ કવરેજ અને ફ્લોર એરિયા રેશિયોનું ઉલ્લંઘન છે. વિજેન્દ્ર ગુપ્તાએ ગયા વર્ષે 16 ઓક્ટોબરે તેની ફરિયાદ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેજરીવાલે આ મામલામાં મોટા પાયે નાણાકીય કૌભાંડ કર્યા છે. કેજરીવાલે ટેક્સપેયર્સના પૈસાઓનો ઉપયોગ કરીને આ શીશ મહેલ બનાવ્યો છે.

શું છે CVCનો આદેશ?
CVCએ આદેશ આપ્યો છે કે કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ અરવિંદ કેજરીવાલના 6 ફ્લેગસ્ટાફ બંગલાના રિનોવેશન અને વૈભવી સુવિધાઓ પર થયેલા ખર્ચની વિગતવાર તપાસ કરે. જ્યારથી CVCએ આદેશ આપ્યો છે ત્યારથી દિલ્હીનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર વારંવાર પ્રહારો કરી રહી છે. બંને પાર્ટીઓએ વિધાનસભા ચૂંટણીમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો.