fbpx

ભારતે શોધી કાઢ્યો ટ્રમ્પના ‘ટેરિફ ટેરર’નો ઉકેલ, અમેરિકાને અરીસો બતાવવા માટે..

Spread the love

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ‘પારસ્પરિક ટેરિફ’ નીતિના જવાબમાં ભારતે પણ પોતાની રણનીતિ તૈયાર કરી લીધી છે. એક અંગ્રેજી વેબસાઇટે 2 સરકારી અધિકારીઓના સંદર્ભે લખ્યું છે કે ભારત સરકાર અમેરિકાને ડેટા રજૂ કરીને એ દેખાડશે કે ભારતીય બજારમાં મોટાભાગના અમેરિકન સામાન પર 10 ટકાથી ઓછી આયાત ડ્યૂટી લાગે છે.

ભારત અને અમેરિકા ભલે વર્ષ 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને 500 અબજ ડૉલર સુધી વધારવા, ટેરિફ ઘટાડવા અને બજારની પહોંચ સુધારવા માટે વેપાર સમજૂતી પર વાતચીત કરવા પર ભાર આપી રહ્યા છે, પરંતુ બંને દેશો વચ્ચે ટેરિફનો મુદ્દો હજુ પણ વણઉકેલાયેલો છે. અમેરિકન સરકારનું કહેવું છે કે ભારત અમેરિકન ઉત્પાદનો પર ઊંચી આયાત ડ્યૂટી લગાવે છે, જેને કારણે અમેરિકાને નુકસાન થઈ રહ્યું છે. આ દાવાનું ખંડન કરવા માટે, ભારત સરકારે અમેરિકન નિકાસ પર લગાવવામાં આવતી ડ્યૂટીની સંપૂર્ણ વિવરણ સાથેનો વિસ્તૃત ડેટા રિપોર્ટ તૈયાર કર્યો છે.

ભારતના વાણિજ્ય મંત્રાલય અને વિદેશ મંત્રાલયે સંયુક્ત રીતે એક વિશેષ રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં અમેરિકન ઉત્પાદનો પર લાગૂ થતી આયાત ડ્યૂટીની વિગતો આપવામાં આવી છે. આ રિપોર્ટ એપ્રિલમાં થનારી આગામી વેપાર વાતચીતો દરમિયાન અમેરિકાને સોંપવામાં આવશે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં અમેરિકન નિકાસ પર સરેરાશ આયાત ડ્યૂટી 5 ટકા કરતા ઓછી છે, જ્યારે ટ્રમ્પ પ્રશાસન તેને ખૂબ ઊંચી બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

સરકારી અધિકારીઓનું કહેવું છે કે ભારતની આયાત નીતિ વૈશ્વિક ધોરણો અનુસાર છે અને મોટાભાગના અમેરિકન ઉત્પાદનો પર ઓછી ડ્યૂટી વસૂલવામાં આવે છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, ભારતમાં અમેરિકન ઉત્પાદનો પર લગાવવામાં આવતી ડ્યૂટી વધારે ઊંચી નથી. ઉદાહરણ તરીકે, અમેરિકાથી ભારતમાં આયાત થતી ટોચની 100 પ્રોડક્ટ્સ પર સરેરાશ ડ્યૂટી માત્ર 5 ટકા છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સંતુલિત રાખવાના પ્રયાસો થઇ રહ્યા છે.

આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જ્યારે 13 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બેઠક થઇ હતા. આ બેઠક બાદ, ‘મિશન 500’ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેનું લક્ષ્ય 2030 સુધીમાં ભારત-અમેરિકા વેપારને બમણો કરવાનું છે. ભારત સરકારનું માનવું છે કે વેપાર સંતુલન જાળવી રાખવા માટે, ટેરિફ અને નોન-ટેરિફ બેરિયરને ઓછો કરવો પડશે, જેનાથી બંને દેશોના ઉદ્યોગોને ફાયદો થશે.

error: Content is protected !!