

જીવન એક રસ્તો છે અને આ રસ્તા પર ચાલતાં ક્યારેક આપણે એવા બનાવોના સાક્ષી બનીએ છીએ જે આપણને વિચારતા કરી મૂકે છે. સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલાં એક એવી જ ઘટના બની જેણે સમાજના દરેક વર્ગને ચર્ચામાં લાવી દીધો. એક સાયકલ સવાર બાળક એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એક વાયરલ વીડિયો અને અનેક પ્રશ્નો!! એક સામાન્ય ઘટના જેમાં માનવતા, ફરજ અને ન્યાયની વચ્ચેની સીમાઓ અથડાતી દેખાઈ.
ઘટનાનો ઘટનાક્રમ: જ્યારે સુરતમાં પ્રધાનમંત્રીના આગમનની તૈયારી ચાલી રહી હતી ત્યારે વ્યવસ્થાની ચોકસાઈ સંદર્ભે પોલીસ રિહર્સલ દરમિયાન એક બાળક સાયકલ લઈને ચાલુ કોન્વોયની વચ્ચે આવી ગયું. આ દ્રશ્યને નિયંત્રિત કરવાની જવાબદારી એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે. ગઢવી પર હતી જે મોરબીથી સુરત બંદોબસ્ત ફરજ માટે આવ્યા હતા. કદાચ દબાણમાં, કદાચ થાકમાં, કદાચ ફરજની કડકાઈમાં તેમણે બાળકને મારીને રસ્તામાંથી હટાવવાનો પ્રયાસ કર્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો. મોરબીના પોલીસ અધિક્ષકે તાત્કાલિક પગલાં લઈને બી.કે. ગઢવી સામે શિક્ષાત્મક કાર્યવાહીની જાહેરાત કરી. પરંતુ શું આ ઘટના એટલી સરળ હતી જેટલી દેખાય છે? શું આ નિર્ણય સાથે ન્યાય પૂરો થઈ ગયો?

આપણે સૌ જાણીએ છીએ કે બાળકો આપણા સમાજનું ભવિષ્ય છે. તેમની નિર્દોષ આંખોમાં આપણે આશા જોઈએ છીએ અને તેમના હાસ્યમાં આપણે જીવનનો આનંદ શોધીએ છીએ. જ્યારે આ બાળક સાયકલ લઈને રસ્તા પર આવ્યું ત્યારે તે કદાચ રમતમાં હશે કદાચ વાસ્તવિક સમય અને વિષયથી અજાણ હશે. પરંતુ જે થયું તે એક ક્ષણમાં લાખો લોકોની નજર સામે આવી ગયું. એક પોલીસકર્મીનો હાથ ઊંચો થયો અને એક બાળકની નિર્દોષતા પર પ્રહાર થયો. સમાજે આને સ્વીકાર્યું નહી અને સ્વીકારવું પણ ન જોઈએ. બાળક પર હાથ ઉગામવો એ કોઈ પણ રીતે ન્યાયી ઠેરવી શકાય નહીં. આ ઘટનાએ આપણને પૂછવા મજબૂર કર્યા કે શું ફરજની આડમાં માનવતા ભૂલાઈ જવી જોઈએ?
ઘટના પોલીસની નજરથી: ફરજનો બોજ પરંતુ, એક ક્ષણ માટે રોકાઈએ અને બીજી બાજુથી જોઈએ. બી.કે. ગઢવી એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર જેમનું ઘર મોરબીમાં છે. પોતાના પરિવારથી દૂર સુરતમાં ફરજ પર હતા. 37/38 ડિગ્રીના ધોમધખતા તડકામાં કલાકો સુધી ખડેપગે ઊભા રહીને પરસેવે નહાતા તેઓ અને હજારો પોલીસકર્મીઓ એક મહત્વની જવાબદારી નિભાવી રહ્યા હતા. પ્રધાનમંત્રીની સુરક્ષા એ કોઈ સામાન્ય કામ નથી એક નાનકડી ભૂલ પણ મોટું જોખમ ઊભું કરી શકે છે. જ્યારે એ બાળક કોન્વોયની વચ્ચે આવ્યું ત્યારે બી.કે. ગઢવીના મનમાં શું ચાલતું હશે? શું તેમણે ફરજની કડકાઈને પ્રાધાન્ય આપ્યું? શું તેમનો થાક અને દબાણ તેમના નિર્ણય પર હાવી થઈ ગયા? આપણે ભૂલીએ છીએ કે પોલીસ પણ માનવ છે તેમની પાસે પણ લાગણીઓ છે, થાક છે અને ભૂલ થવાની સંભાવના છે.
શું જે થયું તે યોગ્ય થયું? મોરબીના પોલીસ અધિક્ષકે બી.કે. ગઢવી સામે શિક્ષાત્મક પગલાં લીધાં. સમાજના મોટાભાગના લોકોએ આનું સમર્થન કર્યું કારણ કે બાળક પર હાથ ઉગામવો એ ખોટું હતું. પરંતુ શું આ શિક્ષા સાથે ન્યાય પૂરો થઈ ગયો? એક તરફ આ પગલું પોલીસની જવાબદારી અને સમાજ પ્રત્યેનો વિશ્વાસ જાળવવા માટે જરૂરી હતું. બીજી તરફ આપણે એ પણ વિચારવું જોઈએ કે શું આ ઘટનાને સંદર્ભ વિના જોઈને નિર્ણય લેવાયો? જો આ સાયકલ સવાર બાળક નહીં પણ કોઈ આતંકવાદી કે ગુનેગાર હોત તો શું આપણે બી.કે. ગઢવીને હીરો ન ગણતા? શું આપણે તેમને મેડલ ન આપતા? આ એક કડવું સત્ય છે કે પોલીસની ફરજમાં કડકાઈ અનિવાર્ય છે પણ જ્યારે તે કડકાઈ નિર્દોષ પર ઉતરે છે ત્યારે તે પ્રશ્નો ઉભા કરે છે.
માનવતાનો સવાલ પણ સમજીએ: આ ઘટના આપણને એક મોટો સવાલ પૂછે છે કે શું ફરજ અને માનવતા એકબીજાના વિરોધી છે? બી.કે. ગઢવીએ જે કર્યું તે ખોટું હતું પણ શું તેમની ભૂલને સંદર્ભ સાથે જોવાની માનવતા આપણે દાખવી શકીએ? તે દિવસે હજારો પોલીસકર્મીઓ પોતાના ઘરથી દૂર ગરમીમાં તપીને પરસેવે નહાતા ફરજ નિભાવી રહ્યા હતા. તેમની આંખોમાં થાક હતો, શરીરમાં શક્તિ ઘટી રહી હતી પણ હૃદયમાં ફરજની જવાબદારી હતી. આવી સ્થિતિમાં એક ભૂલ થઈ એક એવી ભૂલ જેની સજા તેમને મળી પણ શું આપણે તેમની માનવીય મર્યાદા જોવાનું ભૂલી ગયા?
તટસ્થતા અને સકારાત્મક દૃષ્ટિકોણ થી જોઈએ: આ ઘટનામાં દોષારોપણ કરવું સહેલું છે પણ સમજવું મુશ્કેલ છે. એક તરફ બાળકની નિર્દોષતા પર પ્રહાર થયો જે સ્વીકાર્ય નથી. બીજી તરફ એક પોલીસકર્મી, જે પોતાની ફરજ નિભાવી રહ્યો હતો તેની ભૂલને સંદર્ભ વિના જોઈ શકાય નહીં. આપણે સભાન નાગરિકો તરીકે થોડા તટસ્થ રહીને વિચારવું જોઈએ. બી.કે. ગઢવી મોરબીમાં પ્રજાના રક્ષક તરીકે કામ કરી રહ્યા છે. એક ઘટના તેમના આખા કર્તવ્યને નકારી શકે નહીં. શિક્ષા યોગ્ય હતી પણ તેની સાથે તેમને તાલીમ, સમર્થન અને સુધારણાની તક આપવી પણ જરૂરી છે. ખરું કે ખોટું?? થોડુંક સકારાત્મક થઈને વિચારશો.
આ ઘટના એક અરીસો છે જેમાં આપણે પોલીસની ફરજ અને માનવતાનું પ્રતિબિંબ જોઈએ છીએ. બાળક પર હાથ ઉગામવો ખોટું હતું અને તેની સજા મળવી જોઈએ.
પરંતુ પોલીસકર્મીઓની માનવીય મર્યાદાઓને સમજવું અને તેમને સુધારવાની તક આપવી એ પણ આપણી જવાબદારી છે. આપણે માનવતા અને તટસ્થતાને જાળવીને આવી ઘટનાઓમાંથી શીખવું પડશે માત્ર દોષારોપણથી નહીં પણ સકારાત્મક ઉકેલથી. કારણ કે અંતે પોલીસ પણ માનવ છે, અને આપણે પણ.
(આ વિચાર લેખકનું વ્યક્તિગત મંતવ્ય છે)