

દેશભરમાં મુઘલ શબ્દ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી રહી છે. NCERT પુસ્તકોમાંથી મુઘલોને લગભગ ભૂંસી નાખવાની ચર્ચા વચ્ચે, મહારાષ્ટ્ર સરકારે આજે તેના બજેટ સત્ર દરમિયાન આગ્રામાં મહારાજ શિવાજીના નામે એક ભવ્ય સ્મારક બનાવવાની જાહેરાત કરી છે. અહીં તમને જણાવી દઈએ કે, આ નવું સ્મારક આગ્રામાં તે જ જગ્યાએ બનાવવામાં આવશે જ્યાં ઔરંગઝેબે મહારાજા છત્રપતિ શિવાજીને કેદ કર્યા હતા. હવે મહારાષ્ટ્રના DyCM અજિત પવારે જાહેરાત કરી છે કે ત્યાં તાજમહેલ કરતાં પણ ભવ્ય સ્મારક બનાવવામાં આવશે.

આ અગાઉ, મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકાર આગ્રામાં છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક બનાવશે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO)એ કહ્યું હતું કે, UPના CM યોગી આદિત્યનાથ સાથે આ સંદર્ભમાં વાત કરવામાં આવશે અને રાજ્ય સરકાર મીના બજાર નામના સ્થળે સ્મારક બનાવવા માટે જમીન સંપાદન કરશે. CM ફડણવીસે કહ્યું હતું કે, ‘આગ્રા કોઠી (જે મીના બજાર તરીકે ઓળખાય છે) ખાતે એક ભવ્ય સ્મારક બનાવવામાં આવશે, જ્યાં છત્રપતિ શિવાજી મહારાજને કેદમાં રાખવામાં આવ્યા હતા. આ માટે મહારાષ્ટ્ર સરકાર જમીન સંપાદન કરશે. ત્યાં છત્રપતિ શિવાજી મહારાજનું ભવ્ય સ્મારક બનાવવામાં આવશે. આ માટે હું CM યોગી આદિત્યનાથ સાથે વાત કરીશ.’

અહીં તમને જણાવી દઈએ કે, ગયા મહિને CM ફડણવીસ અને DyCM એકનાથ શિંદે અને DyCM અજિત પવારની જોડીએ મહારાષ્ટ્રના જુન્નરમાં શિવનેરી કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની 395મી જન્મજયંતિ ઉજવણીમાં હાજરી આપી હતી. તે જ સમયે, જનતાને સંબોધિત કરતી વખતે, CM ફડણવીસે મહારાષ્ટ્રના કિલ્લાઓ પરથી અતિક્રમણ દૂર કરવા અને તેમને યોગ્ય રીતે વિકસાવવાનું વચન આપ્યું હતું.

આ જ કાર્યક્રમમાં પોતાના સંબોધન દરમિયાન, મરાઠા નેતા અને DyCM એકનાથ શિંદેએ કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્ર સરકારે યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સમાવેશ માટે 12 કિલ્લાઓના નામ મોકલ્યા છે, અને શિવનેરી તેમાંથી એક છે. શિવાજી મહારાજના કિલ્લાની માટીનું તિલક લગાવીને, અમે અમારા છેલ્લા શ્વાસ અને લોહીના છેલ્લા ટીપા સુધી મહારાષ્ટ્રના વિકાસ માટે કામ કરવાનો સંકલ્પ લઈએ છીએ. જ્યારે પણ અમે અહીં આવીએ છીએ, ત્યારે અમને પ્રેરણા મળે છે અને એક અલગ જ ઉર્જાનો અનુભવ થાય છે.’