
25.jpg?w=1110&ssl=1)
ગુજરાતની જનતા ખંતીલી, સમજદાર અને લોકશાહીમાં વિશ્વાસ રાખનારી છે. દરેક ચૂંટણીમાં આપણે મત આપીએ છીએ એવી આશા સાથે કે ચૂંટાયેલા નેતાઓ આપણા ગામડાંની ગલીઓથી લઈ શહેરોના ચોક સુધીના પ્રશ્નોનું નિરાકરણ લાવશે. આપણે એવા પ્રતિનિધિઓ પસંદ કરીએ છીએ જેઓ મોટા વચનો આપે છે પરંતુ ચૂંટણી પછી ઘણા નેતાઓ દિલ્હીની સંસદ કે ગાંધીનગર સચિવાલયમાં ખોવાઈ જાય છે. ઉદ્ઘાટનના રિબન કાપવા, જાહેર કાર્યક્રમોમાં ફોટા પડાવવા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવામાં તેમનું ધ્યાન રહે છે. પ્રજાના સાચા પ્રશ્નો જેવાકે રસ્તાઓની ખરાબ હાલત, પાણીની અછત, શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ વિગેરે બધું ફાઈલોમાં દટાઈ જાય છે. આજે સમય આવ્યો છે કે મતદારો જાગે અને પોતાના નેતાઓને જવાબદાર બનાવે જેથી તેઓ પ્રજાજનો વચ્ચે આવીને કામ કરે અને સરકારની સારી યોજનાઓનો અમલ થઈ શકે.

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ખૂબ સારી યોજનાઓ લાવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત અભિયાન, ઉજ્જવલા યોજના, ગરીબ કલ્યાણ યોજના જેવી કેન્દ્રની યોજનાઓથી લઈને ગુજરાતની ખેડૂતો માટેની સિંચાઈ યોજનાઓ, શિક્ષણની ગુણવત્તા સુધારવાના પ્રયાસો અને આરોગ્ય સેવાઓ માટેની યોજનાઓ આવુતો કઈક અનેક અને આ બધું જનતાના હિત માટે. પરંતુ આ યોજનાઓની સફળતા ત્યારે જ શક્ય છે જ્યારે તેનો અમલ ગામડે ગામડે, શહેરે શહેરે પ્રજાજનોની વચ્ચે આવીને થાય. નેતાઓએ ફક્ત કાગળ પર આંકડા રજૂ કરવાને બદલે જમીન પર જઈને આ યોજનાઓની અસર જોવી જોઈએ. ઉદાહરણ તરીકે જો કોઈ ગામમાં આવાસ યોજના હેઠળ ઘર બનવાના હોય તો નેતાઓએ ત્યાં જઈને ખાતરી કરવી જોઈએ કે લાભાર્થીને ખરેખર ઘર મળ્યું કે નહીં. જો ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર આપવામાં આવ્યા હોય તો તે ગામની મહિલાઓ સુધી પહોંચે છે કે નહીં તે ચકાસવું જોઈએ.

આજે ઘણા નેતાઓ એસી ઓફિસોમાં બેસીને નિર્ણયો લે છે પરંતુ જે ગામમાં નળમાં પાણી નથી પહોંચ્યું, જે શાળામાં શિક્ષક નથી, કે જે ખેતરોમાં સિંચાઈની વ્યવસ્થા નથી ત્યાં જઈને પ્રજાની વચ્ચે રહી કામ કરવાની તેમની તૈયારી નથી હોતી. ગુજરાત સરકારે સૌર ઉર્જા અને ખેડૂતો માટે સબસિડીની યોજનાઓ શરૂ કરી છે પરંતુ ઘણા ખેડૂતોને આની જાણ જ નથી કે આ યોજનાઓનો લાભ કેવી રીતે લેવો. નેતાઓએ પોતાના વિસ્તારમાં જઈને આવી યોજનાઓની માહિતી પહોંચાડવી જોઈએ અને તેનો અમલ થાય છે કે નહીં તેની દેખરેખ રાખવી જોઈએ. આવી સ્થિતિમાં મતદારોનો વિશ્વાસ ડગી જાય તે સ્વાભાવિક છે કારણ કે યોજનાઓ કાગળ પર ભલે સારી લાગે પરંતુ વાસ્તવિક હકીકત જુદી હોય છે.
આજે જરૂર છે કે આપણે ગુજરાતના મતદારો, આપણા નેતાઓને સ્પષ્ટ સંદેશ આપીએ: “દિલ્હી કે ગાંધીનગરની માયાવી નગરીમાં નહીં પણ અમારી વચ્ચે આવો. અમારા પ્રશ્નો સાંભળો, સરકારની યોજનાઓ અમારા સુધી પહોંચાડો અને તેના ઉકેલ માટે પ્રત્યક્ષ કામગીરી કરો.” નેતાઓએ ફક્ત ઉદ્ઘાટનો કે સોશિયલ મીડિયાના ફોટા પૂરતું કામ ન કરવું જોઈએ, પરંતુ ગામડે ગામડે, શહેરે શહેરે જઈને વાસ્તવિક સમસ્યાઓનો અનુભવ કરવો જોઈએ. જો ગામમાં રસ્તો બનાવવાની જરૂર હોય તો તેની દેખરેખ રાખે. જો હોસ્પિટલમાં દવાઓ ન હોય તો તેની વ્યવસ્થા કરે. જો ખેડૂતોને પાકનો ભાવ ન મળતો હોય તો તેમની લડતમાં સાથ આપે. સાથે જ સરકારની યોજનાઓ જેમ કે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગામમાં સ્વચ્છતા છે કે નહીં કે ગરીબ કલ્યાણ યોજનાનો લાભ ગરીબોને મળે છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ.

આ માટે મતદારોએ પણ જાગૃત રહેવું પડશે. ચૂંટણી સમયે ફક્ત વચનોના આધારે નહીં પણ નેતાઓની કામગીરીના રેકોર્ડના આધારે મત આપવો જોઈએ. જે નેતાઓ ચૂંટાયા પછી પ્રજાની વચ્ચે રહીને કામ નથી કરતા કે સરકારની યોજનાઓને અમલમાં નથી મૂકતા તેમને પૂછવું જોઈએ કે તેઓ તેમના મતવિસ્તારમાં કેટલી વાર આવ્યા? સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ લાવવા શું કર્યું? યોજનાઓનો લાભ સૌના ઘર સુધી પહોંચ્યો કે નહીં? જો જવાબ ન મળે તો આવનારી ચૂંટણીમાં તમારી પાસે તેમને બદલવાની તાકાત છે. નેતાઓને એ પણ યાદ કરાવવું જોઈએ કે તેઓ મતદાતા નાગરિકોના પ્રતિનિધિ માત્ર છે, સેવક છે. નહીં રાજ કરનારા શાસકો.
ગુજરાતનું ગૌરવ આપણી એકતા, મહેનત અને પ્રગતિમાં છે. આપણે એવું ગુજરાત ઈચ્છીએ છીએ જ્યાં નેતાઓ દિલ્હી અને ગાંધીનગરની મયામાંથી બહાર નીકળીને આપણી વચ્ચે આવે, આપણી સમસ્યાઓ સમજે અને સરકારની યોજનાઓને વાસ્તવિક રીતે અમલમાં મૂકે. આપણે જાગીશું, સવાલ પૂછીશું તોજ લોકશાહી જીવીત રેહશે. નેતાઓને યાદ રહેવું જોઈએ કે સરકારની યોજનાઓની સફળતા તેમની ઓફિસના આંકડાઓમાં નહીં પણ પ્રજાના ઘરના ચૂલા સુધી, ખેતરની મેડ સુધી અને ગામના રસ્તા સુધી પહોંચવામાં છે.