
30.jpg?w=1110&ssl=1)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએસના પ્રખ્યાત પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના પોડકાસ્ટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) વિશેના પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. તેમના આ શબ્દોમાં આત્મીયતા જાણાય છે જે RSSના સેવાભાવ, સમર્પણ અને રાષ્ટ્રપ્રેમની ગાથા વર્ણવે છે. RSS એ માત્ર એક સંગઠન નથી પરંતુ એક જીવનશૈલી છે જે દેશના દરેક નાગરિકને પોતાનું જીવન રાષ્ટ્રના કલ્યાણ માટે સમર્પિત કરવાનું શીખવે છે.

જીવનનો ઉદ્દેશ્ય અને સંસ્કારોનું નિર્માણ:
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ‘મારું સૌભાગ્ય છે કે RSS જેવા પવિત્ર સંગઠનનો હું સ્વયંસેવક રહ્યો છું. RSSએ મને જીવનનો ઉદ્દેશ્ય આપ્યો, RSSએ મને જીવનના સંસ્કારો આપ્યા.’ આ શબ્દોમાં એક ઊંડી સાતત્યતા રહેલી છે. RSS એવું સંગઠન છે જે વ્યક્તિને માત્ર શારીરિક કે માનસિક રીતે મજબૂત નથી બનાવતું પરંતુ તેને જીવનનો એક ઉચ્ચ ઉદ્દેશ્ય પણ પ્રદાન કરે છે. આ ઉદ્દેશ્ય છે રાષ્ટ્રની સેવા અને સમાજનું કલ્યાણ. સંગઠનની શાખાઓમાં નિયમિત રીતે થતી પ્રવૃત્તિઓ, ચર્ચાઓ અને સેવાકાર્યો દ્વારા સ્વયંસેવકોમાં સંસ્કારોનું સિંચન થાય છે. આ સંસ્કારોમાં નિઃસ્વાર્થ સેવા, સમર્પણ, શિસ્ત અને રાષ્ટ્રભક્તિ હોય છે. આજના યુવાનો માટે આ એક પ્રેરણાદાયી ઉદાહરણ છે કે કેવી રીતે એક સંગઠન વ્યક્તિના જીવનને અર્થપૂર્ણ બનાવી શકે છે.

સાધકની ભૂમિકામાં સો વર્ષની સેવા:
‘RSSએ 100 વર્ષમાં ચકાચૌંધની દુનિયાથી દૂર રહીને એક સાધકની જેમ સમર્પિત ભાવથી દેશ માટે કામ કર્યું છે.’ આ વાક્ય RSSની સાદગી અને સમર્પણની ભાવના તરફ ધ્યાન દોરે છે. 1925માં સ્થપાયેલું આ સંગઠન આજે પોતાની સ્થાપનાના સો વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આ સમયગાળામાં RSSએ ક્યારેય પ્રચાર કે ખ્યાતિની પાછળ દોડ લગાવી નથી. તેનું ધ્યેય હંમેશા રાષ્ટ્રનું હિત રહ્યું છે. આ સંગઠનના સ્વયંસેવકો દેશના દરેક ખૂણે દરેક સંજોગોમાં પછી તે ભૂકંપ હોય કે પૂર, યુદ્ધ હોય કે શાંતિ એવા અનેક સેવાકાર્યમાં જોડાયેલા રહ્યા છે. આ સાધનાની ભાવના આપણા માટે પ્રેરણારૂપ છે કે સાચી સફળતા નામ કે સંપદામાં નથી પરંતુ નિઃસ્વાર્થ સેવામાં છે.

દેશ પ્રત્યેની ભાવના:
‘તમારું બધું દેશના કામ આવે, દેશ જ બધું છે અને જનસેવા જ પ્રભુસેવા છે આ RSS શીખવે છે.’ આ શબ્દો RSSની મૂળ ફિલસૂફીને પ્રતિબિંબિત કરે છે. આ સંગઠન વ્યક્તિને પોતાના અંગત સ્વાર્થથી ઉપર ઉઠીને રાષ્ટ્રના હિતને પઅગ્રીમતા આપવાનું શીખવે છે. ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો, આ ભાવના આપણા રાજ્યના લોકોના લોહીમાં છે. ગુજરાતીઓ હંમેશાથી પોતાની આગતા સ્વાગતા અને સેવાભાવ માટે જાણીતા છે. RSS આ ભાવનાને સંગઠિત સ્વરૂપ આપીને તેને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડે છે. જનસેવાને પ્રભુસેવા સાથે જોડીને આ સંગઠન દરેક સ્વયંસેવકને એ સમજાવે છે કે સેવા એ માત્ર કર્તવ્ય નથી પરંતુ આધ્યાત્મિક ઉન્નતિનું માધ્યમ પણ છે.

સેવા ભારતી અને વનવાસી કલ્યાણ આશ્રમનું યોગદાન:
પ્રધાનમંત્રીએ સેવા ભારતી અને વનવાસી કલ્યાણ આશ્રમના કાર્યોનો ખાસ ઉલ્લેખ કર્યો છે. ‘સેવા ભારતી આખા દેશમાં સવા લાખ સેવા પ્રકલ્પો ચલાવે છે તે પણ કોઈ સરકારી મદદ વગર આ સરળ કામ નથી.’ આ એક અદ્ભુત ઉદાહરણ છે કે કેવી રીતે નાગરિકોની શક્તિ સંગઠિત થઈને સમાજની સેવા કરી શકે છે. ગુજરાતમાં પણ સેવા ભારતીના અનેક પ્રકલ્પો ચાલે છે જેમાં શિક્ષણ, આરોગ્ય અને આપત્તિ સમયે મદદનો સમાવેશ થાય છે. તેવી જ રીતે ‘વનવાસી કલ્યાણ આશ્રમ જંગલોમાં 70 હજાર એકલ વિદ્યાલયો ચલાવે છે આ સરળ કામ નથી.’ આ પ્રકલ્પો દેશના દૂરના દુર્ગમ વિસ્તારોમાં રહેતા વનવાસી બાળકોને શિક્ષણ આપીને તેમનું જીવન બદલી રહ્યા છે. ગુજરાતના વનવાસી વિસ્તારોમાં પણ આવા કાર્યો થઈ રહ્યા છે જે આપણામાટે ગર્વ રૂપ છે.

વિદ્યા ભારતી દ્વારા ભવિષ્યનું નિર્માણ:
‘વિદ્યા ભારતી સ્કૂલો દ્વારા કરોડો બાળકોનું ભવિષ્ય RSSએ બદલ્યું.’ શિક્ષણ એ રાષ્ટ્રનો પાયો છે અને વિદ્યા ભારતીની શાળાઓ આ પાયાને મજબૂત કરવાનું કામ કરે છે. ગુજરાતમાં પણ આવી શાળાઓ અનેક બાળકોને સંસ્કાર અને શિક્ષણ આપી રહી છે. આ શાળાઓમાં બાળકોને માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં પરંતુ જીવન મૂલ્યો પણ શીખવવામાં આવે છે જે તેમને એક સારા નાગરિક બનાવે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ નિવેદનો RSSની મહાનતાની ગાથાને ઉજાગર કરે છે અને દરેક ભારતીયને પ્રેરણા આપે છે કે આપણે પણ આપણું જીવન રાષ્ટ્રની સેવામાં સમર્પિત કરીએ. RSSનું કાર્ય એક દીવાદાંડીની જેમ છે જે તમને તોફાની મધદારીયેથી કિનારે પહોંચાડવાની દિશા આપે છે. આ સંગઠનની નિઃસ્વાર્થ સેવા, સમર્પણ અને રાષ્ટ્રભક્તિની ભાવના આપણને શીખવે છે કે દેશની પ્રગતિ માટે દરેક નાગરિકનું યોગદાન મહત્વનું છે. RSSની આ પ્રેરણાત્મક દેશસેવા યાત્રામાં આપણે પણ સહભાગી બનીએ અને રાષ્ટ્રના નિર્માણમાં ફાળો આપીએ.
(આ વિચાર લેખકનું વ્યક્તિગત મંતવ્ય છે)