

એવું લાગે છે કે પાકિસ્તાનમાં ક્યારેય શાંતિ નથી. ક્યારેક રાજકીય કટોકટી ઊભી થાય છે, તો ક્યારેક બીજો કોઈ વિવાદ ઊભો થાય છે. હવે તાજેતરનો વિવાદ સિંધુ નદી પર નહેરોના બાંધકામને લઈને છે. આનાથી પેદા થયેલા આક્રોશ વચ્ચે, પાકિસ્તાન સરકારના ગઠબંધન ભાગીદાર પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)એ ‘સરમુખત્યાર સંઘીય સરકાર’ની યોજના સામે 25 માર્ચે સિંધ પ્રાંતના તમામ જિલ્લાઓમાં વિરોધ રેલીઓ યોજવાની જાહેરાત કરી છે.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, શુક્રવારે સિંધ એસેમ્બલી સંકુલમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, PPP-સિંધના પ્રમુખ નિસાર અહેમદ ખુહરોએ સંઘીય સરકાર સામે વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી. ગઠબંધન સરકારમાં વધતા આંતરિક ઝઘડા અને વિરોધાભાસી વલણ વચ્ચે, ખુહરોએ શરીફ સરકારની ટીકા કરી અને તેને ‘સરમુખત્યારશાહી સંઘીય સરકાર’ ગણાવી. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ખુહરોએ ચેતવણી પણ આપી હતી કે, PPPના વિરોધ પ્રદર્શનો સરકારને નહેર પ્રોજેક્ટ્સ છોડી દેવાની ફરજ પાડશે.
ખુહરોએ કહ્યું, ‘PPP 25 માર્ચે સિંધના તમામ જિલ્લા મુખ્યાલયોમાં વિવાદાસ્પદ છ નહેર પ્રોજેક્ટ સામે રેલીઓ અને વિરોધ પ્રદર્શન કરશે. હું સિંધના લોકોને એક થવા અને આ નહેરો સામે લડવા અપીલ કરું છું.’ નહેર સામેના સંઘર્ષમાં જોડાવા માટે લોકો અને તમામ પક્ષોને અપીલ કરતા તેમણે વધુમાં કહ્યું કે, સિંધનો એકીકૃત અવાજ પ્રભાવ પાડશે.

પાકિસ્તાનના એક સ્થાનિક અખબારના અહેવાલ મુજબ, PPP નેતાએ કહ્યું કે, સંઘીય સરકારે કોઈપણ બંધારણીય મંચની મંજૂરી વિના પંજાબ પ્રાંતમાં ચોલિસ્તાન નહેરનું બાંધકામ શરૂ કરીને સરમુખત્યારશાહીની યાદોને તાજી કરી છે. અગાઉ, PPP સિંધ કાઉન્સિલે પણ સિંધુ નદી પર છ નવી નહેરો બનાવવાની સંઘીય સરકારની યોજનાને નકારી કાઢી હતી. આ અઠવાડિયાની શરૂઆતમાં, પાકિસ્તાન સરકારના નહેર પ્રોજેક્ટ સામે પ્રાંતવ્યાપી વિરોધ પ્રદર્શનના ભાગ રૂપે, પાકિસ્તાનના સિંધમાં ઘણી રેલીઓ યોજાઈ હતી.

વિરોધીઓએ ચેતવણી આપી હતી કે, ચોલિસ્તાન અને અન્ય નહેરો સિંધને તેના પાણીથી કાયમ માટે વંચિત રાખશે, કારણ કે સિંધનું અસ્તિત્વ સીધુ સિંધુ નદી સાથે જોડાયેલું છે.