

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર મારવામાં આવ્યો અને પછી ગ્રામજનોએ બંનેના લગ્ન કરાવી દીધા. આ અજીબોગરીબ ઘટના જિલ્લાના બરિયારપુર પોલીસ સ્ટેશન વિસ્તારના લક્ષ્મીપુર ગામની છે. ચાલો જાણીએ શું છે આખો મામલો.

મીડિયા રિપોર્ટ મુજબ, મયંક નામના યુવકનો પ્રેમ-પ્રસંગ લક્ષ્મીપુરની ફેન્સી નામની પરિણીત મહિલા સાથે ચાલી રહ્યો હતો. શુક્રવારે રાત્રે મયંક પોતાની પ્રેમિકા ફેન્સીના ઘરે પહોંચ્યો હતો. બંને ઘરની પાછળ છુપાઈને વાતો કરી રહ્યા હતા. ત્યારબાદ છોકરીના પિતા સચિન્દ્ર સિંહની નજર તેમના પર પડી. તેમણે કોઈપણ વિલંબ કર્યા વિના પ્રેમીને પકડી લીધો અને હોબાળો મચી ગયો. પરિવારજનોનો અવાજ સાંભળીને ગ્રામજનો પણ ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા. ત્યારબાદ ભીડે પ્રેમીને ઘેરી લીધો અને લાત-ઘૂસાથી માર માર્યો. આ દરમિયાન મયંક મદદ માટે આજીજી કરતો રહ્યો, પરંતુ ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ તેની એક વાત ન સાંભળી અને તેને ઢોર માર માર્યો.
આ દરમિયાન કોઈએ પોલીસને આ મામલાની જાણ કરી દીધી. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી, પરંતુ ત્યાં સુધીમાં ગ્રામજનોએ જાતે જ મામલો ઉકેલવાનું નક્કી કરી લીધું હતું. ગ્રામજનો અને પરિવારજનોએ પરસ્પર સહમતિથી બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડના લગ્ન કરાવવાનો નિર્ણય લઇ લીધો. ત્યારબાદ ગામના જ મંદિરમાં હિંદુ રીત-રિવાજથી બંનેના લગ્ન કરાવી દીધા અને પોલીસે પણ કોઈ કાર્યવાહી કર્યા વિના પરત ફરવું પડ્યું. આ લગ્નનું રસપ્રદ પહેલું એ છે કે ફેન્સી પહેલાથી જ પરિણીત હતી. તેના પહેલા લગ્ન વર્ષ 2022માં મહુઆ ગામના એક યુવક સાથે થયા હતા, પરંતુ પછીથી ખબર પડી કે તેનો પતિ મંદબુદ્વિ છે. જેના કારણે લગ્નના 6 મહિના બાદ જ ફેન્સી પોતાના પિયર આવતી રહી હતી. જોકે, તેણે અત્યાર સુધી છૂટાછેડા લીધા નથી. પરંતુ તેના પરિવારજનોએ તેના લગ્ન મયંક સાથે કરાવી દીધા અને તેને સાસરે પણ મોકલી દીધી.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, લગભગ એક વર્ષ અગાઉ ફેન્સી અને મયંકની મુલાકાત બજારમાં થઈ હતી. ધીરે-ધીરે બંને વચ્ચે પ્રેમસંબંધ વધ્યો અને મયંક અવારનવાર ફેન્સીના ગામ આવવા લાગ્યો. જોકે, આ વખતે તે પકડાઈ ગયો અને ગ્રામજનોએ તેને બંધક બનાવી લીધો. યુવતીના ઘરથી મયંકના ગામનું અંતર લગભગ 10 કિલોમીટર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગ્રામીણ SP વિદ્યાસાગરે જણાવ્યું કે, પ્રેમીને યુવતીના પરિવારજનોએ બંધક બનાવી લીધો હતો. પોલીસને માહિતી મળી હતી, પરંતુ જ્યારે પોલીસ પહોંચી ત્યારે બંને પક્ષોએ સમાધાન કરી લીધું હતું અને લગ્ન કરી દીધા હતા. કોઇ પણ પક્ષે પોલીસ સ્ટેશનમાં કોઈ અરજી કરી નથી, એટલે પોલીસ કાર્યવાહી કર્યા વિના જ આવતી રહી.