

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર કરી છે. આ નોટિસમાં નંદકિશોર ગુર્જરને સ્પષ્ટિકરણ આપવા માટે કહેવામાં આવ્યું છે. ભાજપના પ્રદેશ મહાસચિવ ગોવિંદ નારાયણ શુક્લાએ જણાવ્યું કે, પ્રદેશ ભાજપ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર કરી છે. તેમણે કહ્યું કે, કારણ બતાવો નોટિસમાં નંદકિશોર ગુર્જરને સ્પષ્ટિકરણ આપવા કહેવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી તમારા દ્વારા સાર્વજિક સ્થળોએ સરકારની નિંદા કરવામાં આવી રહીં છે અને તમારા નિવેદનો અને કાર્યોથી પાર્ટીની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી રહી છે, જે અનુશાસનહીનતાની શ્રેણીમાં આવે છે.

કારણ બતાવો નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાના નિર્દેશાનુસાર, તમને (નંદકિશોર ગુર્જરે) ચૂચિત કરવામાં આવે છે કે આ પત્ર મળ્યાના 7 દિવસની અંદર સ્પષ્ટિકરણ આપો કે તમારી વિરુદ્ધ અનુશાસનહીનતાની કાર્યવાહી કેમ ન કરવામાં આવે.
શું છે આખો મામલો
ગાઝિયાબાદની લોની વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરે ગત દિવસોમાં એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીની સૌથી ભ્રષ્ટ સરકાર છે, અધિકારી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ગેરમાર્ગે દોરીને સરકારી તિજોરીને લૂંટી રહ્યા છે. નંદકિશોર ગુર્જરનો આરોપ છે કે, પોલીસે તેમના કપડાં ફાડી નાખ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે મુખ્ય સચિવે ‘મહારાજ જી’ પર તંત્ર-મંત્ર કરીને તેમનું મગજ બાંધી દીધું છે. ભાજપના ધારાસભ્યએ કહ્યું હતું કે, મુખ્ય સચિવ દુનિયાના સૌથી ભ્રષ્ટ અધિકારી છે, અધિકારીઓએ અયોધ્યામાં જમીન લૂંટી છે.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે નંદકિશોર ગુર્જરના નિવેદનોનો સંદર્ભ આપતા યોગી આદિત્યનાથ સરકાર પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપના રાજમાં ભાજપના લોકો જ રહસ્ય ખોલી રહ્યા છે કે, કેવી રીતે અન્યાય અને દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર ફેલાઇ ગયો છે. હવે શું તેઓ તેમનો રિપોર્ટ બદલાવશે?