હનુમાનજી અને સુરસા… બુદ્ધિ, શક્તિ અને ધીરજની જીત

Spread the love
This image has an empty alt attribute; its file name is HD-737x1024.jpg
હનુમાનજી અને સુરસા... બુદ્ધિ, શક્તિ અને ધીરજની જીત

જ્યારે શ્રીરામના પરમ ભક્ત અને દૂત પવનપુત્ર હનુમાનજી માતા સીતાની શોધમાં લંકા જઈ રહ્યા હતા, ત્યારે તેમને માર્ગમાં અનેક અડચણોનો સામનો કરવો પડ્યો. તેમાંથી એક હતી  નાગમાતા સુરસા. આ પ્રસંગ રામાયણના સુંદર અને ભક્તિમય કિસ્સાઓમાંનો એક છે જે હનુમાનજીની અપાર બુદ્ધિ, શક્તિ અને ધીરજની જીતને દર્શાવે છે.

લંકા તરફ જતાં હનુમાનજીએ સમુદ્ર ઉપરથી ઉડાન ભરી. તેમની ગતિ એવી હતી કે જાણે પવન દેવ પોતે પોતાના પુત્રને લક્ષ્ય સુધી પહોંચાડવા પ્રેરણા આપી રહ્યા હોય. ત્યાં જ અચાનક સમુદ્રમાંથી એક વિશાળ આકૃતિ પ્રગટ થઈ નાગમાતા સુરસા. દેવતાઓએ તેમને હનુમાનજીની પરીક્ષા લેવા મોકલ્યા હતા. સુરસાએ હનુમાનજી સામે આવીને કહ્યું, “હે વાનર! આજે તું મારું ભોજન બનીશ. મારા મુખમાં પ્રવેશ કર્યા વિના કોઈ મારી સામેથી આગળ વધી શકે નહીં.” તેમના શબ્દોમાં પડકાર હતો પરંતુ હનુમાનજીએ તેને દુશ્મની ન સમજી એક તક તરીકે જોયું.

02

હનુમાનજીએ નમ્રતાથી હાથ જોડીને કહ્યું, “માતા સુરસા! હું શ્રીરામનો દૂત છું અને માતા સીતાની શોધમાં લંકા જઈ રહ્યો છું. આ કાર્ય ખૂબ જ મહત્વનું છે. કૃપા કરીને મને જવા દો. મારું કામ પૂરું થયા પછી હું પાછો આવીને તમારી સામે હાજર થઈશ.” પણ સુરસા પોતાની પરીક્ષામાં અડગ હતાં. તેમણે પોતાનું મુખ વિશાળ કરવાનું શરૂ કર્યું અને કહ્યું, “જો તારામાં સામર્થ્ય હોય તો મારા મુખમાંથી પસાર થઈ જા.”

હનુમાનજીએ પોતાની બુદ્ધિનો પરિચય આપ્યો. તેમણે વિચાર્યું કે શક્તિનો ઉપયોગ તો કરવો જ પડશે પરંતુ સુરસા માતાનું સન્માન પણ જાળવવું જરૂરી છે. આથી તેમણે પોતાનું શરીર વધુ વિશાળ કરવાનું શરૂ કર્યું. સુરસાનું મુખ જેમ જેમ મોટું થતું ગયું તેમ તેમ હનુમાનજીનું શરીર તેનાથી પણ વધુ વિશાળ થતું ગયું. આ દૃશ્ય અદ્ભુત હતું એક બાજુ નાગમાતાની શક્તિ અને બીજી બાજુ હનુમાનજીનું બળ. અંતે સુરસાનું મુખ એટલું વિશાળ થયું કે તે પહાડોને પણ ગળી શકે અને હનુમાનજી પણ એટલા જ વિશાળ બન્યા.

પછી હનુમાનજીએ પોતાની ચતુરાઈ બતાવી. અચાનક તેમણે સૂક્ષ્મ રૂપ ધારણ કરીને ઝડપથી સુરસાના મુખમાં પ્રવેશ કર્યો અને તરત જ બહાર નીકળી આવ્યા. આ બધું એટલી ઝડપથી થયું કે સુરસા આશ્ચર્યચકિત થઈ ગયાં. હનુમાનજીએ ફરી હાથ જોડીને કહ્યું, “માતા! મેં તમારા વચનનું પાલન કર્યું અને તમારા મુખમાંથી પસાર થઈ ગયો. હવે કૃપા કરીને મને જવાની પરવાનગી આપો.” સુરસા પ્રસન્ન થયાં. તેમણે કહ્યું, “હે હનુમાન! તારી બુદ્ધિ, શક્તિ અને ધીરજ અજોડ છે. જા, તારું કાર્ય સફળ થાઓ.” આમ કહીને તેમણે હનુમાનજીને આશીર્વાદ આપ્યા.

03

આ રીતે હનુમાનજીએ પોતાની શક્તિ અને બુદ્ધિથી જીત મેળવી અને સુરસા માતાનું સન્માન પણ જાળવ્યું. આ કથા આપણને શીખવે છે કે સાચી જીત એ જ છે જે વિવેક અને સન્માન સાથે મળે. હનુમાનજીનો આ પ્રસંગ ભક્તો માટે પ્રેરણાનું સાધન છે જે તેમની ભક્તિ, બળ અને નમ્રતાનું અનુપમ ઉદાહરણ આપે છે.

પ્રાર્થના…

મારા રામ… કરુણા રાખજો, સૌનું ભલું થાજો. કલયુગે સાક્ષાત દેવ હનુમાનજી મહારાજને અમારી સાથે રાખજો.

Leave a Reply

error: Content is protected !!