

30 ટકા ભાવ વધારાની માંગ સાથે સુરતમાં રત્નકલાકારોએ 30 અને 31 માર્ચ 2 દિવસની હડતાળ પાડી હતી. હવે વહેતી ગંગાં હાથ ધોવા માટે કેટલાંક લોકોએ એવી ચર્ચા શરૂ કરી છે કે જે રત્નકલાકારો બેરોજગાર છે તેમને વિવિંગ ઉદ્યોગમાં નોકરી આપવામાં આવશે.
આ બાબતે અમે FOGWAના પ્રમુખ અશોક જીરાવાળાને પુછ્યું હતું. તેમણે કહ્યું કે, અત્યારે આવી ચર્ચા છે અને અમે એ બાબતે યોજના બનાવી રહ્યા છીએ. અંતિમ નિર્ણય લેવાશે પછી મીડિયાને જાણ કરાશે.
કેટલાંક વિવર્સનું કહેવું છે કે, રત્નકલાકારો માટે વિવિંગ ઉદ્યોગમાં કામ કરવુ મુશ્કેલ છે, કારણકે તેઓ શાંત વિસ્તારમાં કામ કરે છે, જ્યારે વિવિંગ ઉદ્યોગમાં ખટાખટનો સતત અવાજ આવતો રહે છે. જો કે કેટલાંક વિવર્સનું કહેવું છે કે, વિવિંગમાં કામ શીખવું ખુબ સરળ છે એટલે જો રત્નકલાકારો આવે તો તેમને સારી આવક થઇ શકે. અત્યારે વિવિંગ ઉદ્યોગમાં સ્ટાફની મોટી શોર્ટેજ છે.