
-copy24.jpg?w=1110&ssl=1)
મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં દિલ્હીની ટીમના કરુણ નાયરે ઈમ્પેક્ટ ખેલાડી તરીકે આવીને ધમાલ મચાવી દીધી હતી. તેણે 89 રનની શાનદાર ઇનિંગ રમી હતી. એક ઓવરમાં તેણે જસપ્રીત બુમરાહને 18 રન પણ ફટકારી દીધા હતા. જો કે આ દરમિયાન એવી ઘટના બની હતી, જેનાથી થોડી ગરમાગરમી જોવા મળી હતી અને બૂમરાહ-કરુણ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.
જ્યારે કરુણ નાયર 48 રને રમી રહ્યો હતો, ત્યારે જસપ્રીત બુમરાહ બોલિંગ કરી રહ્યો હતો. કરુણ નાયરે બુમરાહના છેલ્લા બોલ પર બે રન લીધા અને પોતાની ફિફ્ટી પૂર્ણ કરી. જોકે જ્યારે તે બીજો રન લેવા માટે દોડી રહ્યો હતો, ત્યારે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર તે જસપ્રીત બુમરાહ સાથે અથડાઈ ગયો હતો, જે બુમરાહને ગમ્યું નહીં અને ડ્રિંક્સ દરમિયાન તે કરુણ નાયરને કંઈક કહેતો જોવા મળ્યો હતો, પણ હાર્દિક પંડ્યાએ વચ્ચે પડીને બંનેને શાંત કરાવ્યા હતા. આ બધામાં રોહિત શર્મા મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો.
ભારતીય ક્રિકેટ ટીમમાં શાનદાર ત્રિપલ સેન્ચુરી ફટકારીને રાતો રાત નામના મેળવનાર કરુણ નાયર માટે છેલ્લા કેટલાક મહિના શાનદાર રહ્યા છે. ઘરેલુ ક્રિકેટમાં રનોનો વરસાદ કરનાર આ ખેલાડીએ લાંબા સમય બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં વાપસી કરી અને એક વિસ્ફોટ ઇનિંગ રમી હતી. જોકે, તે દિલ્હી કેપિટલ્સને મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ જીત ન અપાવી શક્યો. હાર બાદ નિરાશ થઈને તેણે કહ્યું કે, ગમે તેટલા રન બનાવી લઇએ, પરંતુ જો ટીમ ન જીતે તો તેનો શું ફાયદો. IPLમાં વાપસી કરી રહેલા કરુણ નાયરે રવિવારે દિલ્હી કેપિટલ્સ માટે IPLના ઇતિહાસની સૌથી શાનદાર ઈનિંગ્સમાંથી એક રમી હતી.

205 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ માટે તેણે 40 બૉલમાં 12 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 89 રનની ઇનિંગ રમી હતી. ઇમ્પેક્ટ પ્લેયર તરીકે મેચમાં ઉતરેલા કરુણે જસપ્રીત બૂમરાહને પણ ધોઇ નાખ્યો હતો. જોકે, તેની આ ઇનિંગ બેકાર ગઇ, કેમ કે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્વ અંતિમ ઓવરમાં ટીમની બેટિંગ માઠી રીતે વિખેરાઇ ગઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્વની હાર કરુણ માટે કડવી દવા જેવી હતી. વર્ષ 2022માં, તે પહેલી વખત IPLમાં ઉતર્યો હતો.

કરુણે મેચ બાદ કહ્યું હતું કે, અમે મેચ જીતવા માટે રમીએ છીએ, એટલે નિરાશા છે અને ભલે આપણે ગમે તેટલો સ્કોર કરીએ, જો ટીમ ન જીતે તો તેનો કોઈ મતલબ નથી. મારા માટે ટીમની જીત ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી અને તે ન થઈ શકી, પરંતુ આ એક પાઠ છે અને અમે આગળ વધીશું અને મને આશા છે કે હું આ રીતે પ્રદર્શન કરતો રહીશ અને અમે જીતીશું.

33 વર્ષીય જમણા હાથના બેટ્સમેને અભિષેક પોરેલ સાથે બીજી વિકેટ માટે 119 રન જોડ્યા હતા. શાનદાર ઇનિંગ રમીને પણ ટીમને જીત ન અપાવી શકવાને કારણે કરુણ નાયર નિરાશ દેખાયો હતો અને કહ્યું હતું કે, મારી ઇનિંગ બાબતે વાત કરવાનો કોઈ મતલબ નથી કેમ કે હું સારું રમ્યો, પરંતુ તેને ખતમ ન કરી શક્યો, એટલે નિરાશા છે.