fbpx

જાન આવે એ પહેલા પાણી ખૂંટી પડ્યું, તંત્રની ઊંઘ ઉડાડવા મહેંદી ભરેલા હાથ લઈ દુલ્હન ઢોલ-નગારા સાથે પાણી ભરવા પહોંચી

Spread the love
જાન આવે એ પહેલા પાણી ખૂંટી પડ્યું, તંત્રની ઊંઘ ઉડાડવા મહેંદી ભરેલા હાથ લઈ દુલ્હન ઢોલ-નગારા સાથે પાણી ભરવા પહોંચી

છોટાઉદેપુર જિલ્લાના કંવાટ તાલુકામાં આવેલું કેલધરા ગામ 2500ની વસ્તી ધરાવે છે. ગામમાં પાણીની ટાંકી છે, પરંતુ તેમાં પાણી જ નથી કેમ કે હાંફેશ્વર પાણીપુરવઠા યોજનામાં પીવાનું પાણી મળે તે માટે ટાંકી બનાવવામાં આવી હતી અને ઘરે-ઘર નળ ગોઠવવામાં આવ્યા છે, પરંતુ આ નળમાં હજી પાણી સુધી આવ્યું જ નથી. ગામમાં અલગ-અલગ ફળિયામાં 100 જેટલા પાણીના બોર કરાયા છે. પરંતુ ઉનાળાના કારણે પાણી નીચે જતા રહ્યા છે, જેથી તમામ બોર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. કેટલાક બોર બંધ થઈ ગયા છે. નદી, કોતર સુકાઈ ગયા છે. આ દરમિયાન ગામના ખેડૂત નારણભાઈ રાઠવાની દીકરી ઓમનાના લગ્ન હતા.

Bride2

જાન આવવા માટે ગણતરીના કલાકો બચ્યા હતા અને પાણી જ ખૂટી પડ્યું તો લગ્નવાળા ઘરે હાહાકાર મચી ગયો. પાણીની વ્યવસ્થા કરવા માટે ઓમનાના પરિવારજનોએ ગામમાં આવેલી નદીના સામે કિનારે આવેલા હેન્ડપંપ પર પહોચ્યા. જો કે, આ મુશ્કેલી જોઈને દુલ્હન ઓમનાને તંત્રની ઊંઘ ઉડાડવાનો વિચાર આવ્યો. દુલ્હન પોતે મહેંદીવાળા હાથ અને લગ્નના શણગાર સાથે ઢોલ-નગારા અને શરણાઈવાળા સાથે બેડું લઈને નીકળી પડી પાણી ભરવા અને હેન્ડપંપ પર જઈને બેડામાં પાણી ભરી લાવી. લગ્નમાં આવેલા મહેમાનો પણ પાણી લાવવામાં મદદ કરવા લાગ્યા.

Photo-(2)-copy

દુલ્હન ઓમના રાઠવાએ કહ્યું કે, મારા લગ્ન છે, મારા ઘરે મહેમાનો આવ્યા છે. બોરમાં પાણી નથી, મહેમાનોને પાણી કંઈ રીતે આપવું. ટેન્કર મગાવ્યું હતું, તેમાં રહેલું પાણી ખૂટી ગયું એટલે ઢોલ નગારા સાથે સરકારને જગાડવા માટે લગ્નના ફેરાની તૈયારીઓની કામગીરી પડતી મૂકીને પાણી ભરવા જવું પડ્યું, એટલે ગામમાં પાણીની તંગી દૂર થાય તેવા પ્રયાસ સરકારે કરવા જોઇએ.

Bride

દુલ્હનના પિતા નારણ રાઠવાએ જણાવ્યુ કે, ઉનાળાની શરૂઆત થતા જ પાણીની તંગી ઊભી થઈ છે, મારી દીકરીના લગ્ન હોવા છતાય મારી દીકરી અને તેની બહેનપણીઓને લગ્નની વિધિ અગાઉ પાણી ભરવા જવું પડ્યું, જ્યારે ટેન્કરો અને જગ મગાવ્યા હતા તે ખાલી થઈ ગયા.  સેવનભાઇ રાઠવા નામના સ્થાનિકે જણાવ્યુ કે, અમારા ગામમાં 100 જેટલા બોર છે, ઘરે-ઘર નળ ગોઠવવામાં આવ્યા છે, પરંતુ બોરમાં પાણી ખતમ થઈ ગયું છે. હાંફેશ્વર પાણી પુરવઠા યોજનાનું પાણી અમને આપવામાં આવ્યું નથી. અત્યારે તો અમારું ગામ પાણી વિના હેરાન થઈ રહ્યું છે. વિકાસની વાત ખોટી છે.

error: Content is protected !!