

જ્યારે કોઈ કર્મચારીએ નોકરી બદલવી હોય, ત્યારે તેણે પહેલા રાજીનામું આપવાનું હોય છે. ઘણી વખત આ રાજીનામું બોરિંગ અંદાજમાં હોય છે, પરંતુ બદલાતા સમય સાથે, લોકો તેમાં પણ ક્રિએટિવિટી બતાવવામાં પણ પાછળ નથી હટતા. તાજેતરમાં જ એક ઘટના સામે આવી છે, જેમાં એક કર્મચારીનું રાજીનામું સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે, જેને ટોયલેટ પેપર પર લખવામાં આવ્યું છે. કદાચ આ જ કારણ છે કે આ રાજીનામું સોશિયલ મીડિયા પર આટલું વાયરલ થઈ રહ્યું છે.

સિંગાપોર સ્થિત એક બિઝનેસ વુમન એન્જેલા યોહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઇન પર એક એવો અનુભવ શેર કર્યો છે, જેણે લાખો લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તેમણે જણાવ્યું કે, તેમના એક કર્મચારીએ પોતાની નારાજગી અને નિરાશા વ્યક્ત કરીને રાજીનામું આપી દીધું, પરંતુ અંદાજ એટલો અનોખો હતો કે બધા હેરાન રહી ગયા. એન્જેલાના જણાવ્યા મુજબ, આ કર્મચારીએ પોતાના રાજીનામામાં લખ્યું હતું કે, ‘હું પોતાને ટોઇલેટ પેપર જેવો અનુભવી રહ્યો છું. જરૂરિયાત પડી તો ઉપયોગ કરી લેવામાં આવ્યો અને પછી કોઈ વિચાર કર્યા વિના ફેંકી દેવામાં આવ્યો.
આ તીખા સંદેશથી એન્જેલાને હચમચાવી દીધી. તેણે પોસ્ટમાં લખ્યું કે, ‘આ શબ્દો મારા દિલમાં વસી ગયા. તે માત્ર એક રાજીનામું નહોતું, પરંતુ અમારી કંપનીની સંસ્કૃતિ માટે અરીસો હતો. તેણે આગળ લખ્યું કે, ‘કર્મચારીઓની એટલી બધી કદર થવી જોઈએ કે જ્યારે તેઓ કંપની છોડે તો કૃતજ્ઞતા લઈને જાય, નારાજગી નહીં.’ ચોંકાવનારી વાત ત્યારે સામે આવી, જ્યારે એન્જેલાએ તે રાજીનામાની તસવીર શેર કરી. એક ટોઇલેટ પેપર પર હાથથી લખેલું રાજીનામું… તેમાં લખ્યું હતું- ‘મેં આ પેપર એટલે પસંદ કર્યું, જેથી એ દેખાડી શકું કે કંપનીએ મારી સાથે કેવો વ્યવહાર કર્યો. હું રાજીનામું આપી રહ્યો છું. જોકે, એન્જેલાએ સ્પષ્ટ કરી ન કર્યું કે આ અસલી રાજીનામું હતું કે પ્રતિકાત્મક.

લિંક્ડઇન પરની આ પોસ્ટ પર લોકોએ ખૂબ પ્રતિક્રિયા આપી. એક યુઝરે લખ્યું- આ યુનિક છે, હું પણ કંઈક આવું જ કરી ચૂક્યો છું. તો, અન્ય એક યુઝરે કહ્યું કે, જો કંપની તમને નાના અનુભવ કરાવે છે, તો પોતાના પર વિશ્વાસ બનાવી રાખો. પોતાની કદર કરવી સૌથી મહત્ત્વપૂર્ણ છે. એક યુઝરે કહ્યું કે, ઘણી વખત કર્મચારી કંપનીના કારણે નહીં, પરંતુ મિડલ મેનેજરના કારણે નોકરી છોડે છે. આ અનોખું રાજીનામું એક સખત સંદેશ છોડી ગયું. જો કર્મચારીઓને સન્માન ન મળ્યું, તો તેઓ જતા રહીને પણ પાઠ ભણાવી શકે છે.