

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ NTA સ્કોર પ્રાપ્ત કર્યો છે. 100 NTA મેળવનારા 24 વિદ્યાર્થીઓમાં ફક્ત બે છોકરીઓ છે, દેવત્ત માઝી (પશ્ચિમ બંગાળ) અને સાઈ મનોગના ગુથીકોંડા (આંધ્ર પ્રદેશ). ખાસ વાત એ છે કે, આંધ્રપ્રદેશના એક આશાસ્પદ વિદ્યાર્થી સાઈ મનોગના ગુથીકોંડા, જેણે સત્ર-2માં ટોપ કર્યું હતું, તેણે JEE મેન્સ સત્ર-1માં પણ ટોપ કર્યું હતું.
સાઈ મનોગના ગુથીકોંડા JEE મેન્સ સત્ર 1 (જાન્યુઆરી 2025)માં ટોપ કરનાર એકમાત્ર વિદ્યાર્થીની હતી. તેના 17મા જન્મદિવસ પર આનાથી મોટી ભેટ બીજી કઈ હોઈ શકે? આમ છતાં, તેણે ફરીથી JEE મેન્સમાં પરીક્ષા આપી અને આ વખતે પણ તેણે જનરલ કેટેગરીમાં 100 પર્સન્ટાઇલ મેળવ્યા. સત્ર-1માં, 14 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઇલ મેળવ્યા હતા, જેમાંથી સાઈ મનોગના એકમાત્ર મહિલા ઉમેદવાર હતી. જ્યારે સત્ર-2 માં, બે મહિલા ઉમેદવારો (દેવત્તા માઝી અને સાઈ મનોગના ગુથીકોંડા) ટોચ પર રહ્યા છે.

સત્ર-1માં 100 પર્સેન્ટાઇલ મેળવ્યા પછી, સાઈ મનોગનાએ એક મીડિયા ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તેણે JEE મેન્સની તૈયારી માટે કોઈપણ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો ન હતો કારણ કે તેને લાગ્યું હતું કે JEE મેન્સ માટે તેની પુરી તૈયારી છે. જોકે, તે તેના મિત્રો સાથે ગ્રુપ સ્ટડી કરતી હતી.
તેણે ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘મારા શિક્ષકો અને મિત્રોએ મને હંમેશા ટેકો આપ્યો. મને તર્કશાસ્ત્ર સાથે સંકળાયેલા વિષયો ગમે છે અને તેથી, કમ્પ્યુટર વિજ્ઞાન અને ગણિત મારા પ્રિય છે. મારા છ મિત્રો છે જેમની સાથે હું ગ્રુપ સ્ટડી કરતી હતી.’
પોતાની અભ્યાસ વ્યૂહરચના વિશે વાત કરતાં, સાઈએ કહ્યું કે, તે JEE મેઈન્સની તૈયારી અને શાળાના અભ્યાસ માટે દરરોજ 12થી 14 કલાક ફાળવતી હતી. તેણે કહ્યું, ‘નિયમિત રીવીઝન કરવાથી મને આત્મવિશ્વાસ મેળવવામાં મદદ મળી. રવિવાર એકમાત્ર એવો દિવસ હતો જ્યારે હું આરામ કરતી હતી. હું મોડે સુધી સુઈ રહેતી અને IIT વિદ્યાર્થીઓના પ્રેરક વીડિયો જોતી હતી, જેમાં IITના જીવન, સંશોધન વગેરે વિશે વાત કરવામાં આવતી હતી.’

સોશિયલ મીડિયા વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે, ‘હું ધોરણ 10 સુધી ઇન્સ્ટાગ્રામ પર હતી, પરંતુ પછી મેં મારું એકાઉન્ટ ડિએક્ટિવેટ કર્યું. હું મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગતી હતી, પરંતુ સોશિયલ મીડિયા એક વિક્ષેપ હતો. શરૂઆતમાં તે મુશ્કેલ હતું, પરંતુ મેં નક્કી કર્યું કે, જો મારે સારી કોલેજમાં પ્રવેશ જોઈતો હોય, તો મારે તેને હંમેશા માટે છોડી દેવું પડશે.’
સાઈ મનોગનાએ કહ્યું, ‘અત્યારે, હું સારું રેન્કિંગ મેળવવાનું લક્ષ્ય રાખી રહી છું. મને ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન ગમે છે, પણ મેં હજુ સુધી કોઈ કોલેજ કે શાખા નક્કી કરી નથી. તેણે કહ્યું હતું કે, ‘મારું ધ્યાન EE એડવાન્સ્ડ પર છે, પરંતુ મેં પ્રેક્ટિસ માટે એપ્રિલ સત્ર માટે નોંધણી કરાવી છે.’
આંધ્રપ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુએ JEE મેન્સ સેશન-1માં 100 પર્સન્ટાઇલ મેળવનાર દેશના એકમાત્ર વિદ્યાર્થી સાઈ મનોગનાને અભિનંદન પાઠવ્યા. તેમણે પોતાના એક્સ એકાઉન્ટ પર સાઈ મનોગના અને તેના માતા-પિતા સાથે લીધેલા ફોટા શેર કર્યા હતા. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, ‘આજે અમારા JEE ટોપર સાઈ મનોગના ગુથીકોંડા અને તેમના ગૌરવશાળી માતાપિતાને મળીને આનંદ થયો. આંધ્રપ્રદેશના યુવાનો અસાધારણ રીતે પ્રતિભાશાળી છે, અને અમે તેમની ક્ષમતાનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. GoAP અમારા શિક્ષણ ઇકોસિસ્ટમને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી શિક્ષણ શ્રેષ્ઠતા અને તેનાથી આગળ અપગ્રેડ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમારો ઉદ્દેશ્ય પ્રતિભા ખીલી શકે તેવું અનુકૂળ વાતાવરણ બનાવવાનો છે. અમે ઇચ્છીએ છીએ કે દરેક બાળક પોતાની સંપૂર્ણ ક્ષમતા પ્રાપ્ત કરે.’

મૂળ આંધ્રપ્રદેશના પલનાડુ જિલ્લાના સાઈ મનોગના, ભાશ્યમ જુનિયર કોલેજના વિદ્યાર્થી છે અને તેમણે માર્ચમાં આંધ્રપ્રદેશ બોર્ડમાંથી ઇન્ટરમીડિયેટ બીજા વર્ષની પરીક્ષા (ધોરણ 12ની પરીક્ષા) આપી હતી. સાઈ મનોગનાની માતા પદ્મજા ન્યુટ્રિશનિસ્ટ છે. મોટો ભાઈ કેરળના કોટ્ટાયમ જિલ્લામાં આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફર્મેશન ટેકનોલોજી (IIIT)માં અંતિમ વર્ષનો વિદ્યાર્થી છે. સાઈ મનોગનાના પિતા આંધ્રપ્રદેશના ગુંટુરમાં RVR અને JC કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં મિકેનિકલ એન્જિનિયરિંગ ભણાવે છે.
ahi તમને જણાવી દઈએ કે, એપ્રિલ સત્રની JEE મેન્સ પરીક્ષામાં સૌથી વધુ સાત ટોપર્સ રાજસ્થાનના છે. આ પછી, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તર પ્રદેશના ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓએ ટોચનું સ્થાન મેળવ્યું છે. દિલ્હીના 2, પશ્ચિમ બંગાળના 2, ગુજરાતના 2, કર્ણાટક અને આંધ્રપ્રદેશના 1-1 વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઇલ મેળવ્યા છે.