

રણવીર અલ્હાબાદિયા અને સમય રૈનાના નામ ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ કંટ્રોવર્સી બાદ ખૂબ જ લોકપ્રિય થયા હતા. શૉમાં રણવીર અલ્હાબાદિયાએ પેરેન્ટ્સને લઈને અભદ્ર ટિપ્પણી કરી દીધી હતી, ત્યારબાદ તેને ખૂબ વિરોધ થયો હતો. આ મામલાને કારણે કોમેડિયન વિરુદ્ધ FIR પણ નોંધાઈ હતી. તાજેતરમાં, રણવીર અલ્હાબાદિયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘આસ્ક મી એનિથિંગ’ સેશન આયોજિત કર્યું હતું, જેમાં તેણે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદ બાબતે ઘણા સવાલોના જવાબ આપ્યા હતા.

જ્યારે એક યુઝરે પૂછ્યું કે, શું તે અત્યારે પણ સમય રૈનાના સંપર્કમાં છે, તો રણવીરે ખુલાસો કર્યો કે આ ઘટના બાદ તેઓ વધુ ગાઢ મિત્રો બની ગયા છે. તેણે આશિષ ચંચલાની અને અપૂર્વ મુખીજા ઉર્ફે ધ રિબેલ કિડને પણ સમર્થન આપ્યું. રણવીરે લખ્યું કે, ‘સમય પાછો આવશે. ઘટનાઓ બાદ અમે બધા વધુ નજીક આવી ગયા છીએ. સારા અને ખરાબ સમયમાં એક-બીજા સાથે ઉભા છીએ. મારો ભાઈ પહેલેથી જ મીડિયા લિજેન્ડ છે. ભગવાન અમારા બધા પર નજર રાખી રહ્યા છે. બસ એટલું જ કહેવા માગીશ કે આશિષ ચંચલાની અને ધ રિબેલ કિડને પણ પ્રેમ કરું છું. પિક્ચર અભી બાકી હૈ.
આ ઘટના રણવીરના ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ વિવાદ પછી થઇ છે. કોમેડિયાને થોડા સમય અગાઉ જ પોતાના પોડકાસ્ટ સાથે વાપસી કરી છે. આ વર્ષની શરૂઆતમાં, રણવીર અલ્હાબાદિયા ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના એક એપિસોડ બાદ વિવાદમાં ફસાઈ ગયો હતો. આ દરમિયાન રણવીરે તેની સામે આવેલી સમસ્યાઓ બાબતે પણ વાત કરી.

જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, છેલ્લા 2 મહિનામાં તેને સૌથી વધુ ડર કઈ વાતનો હતો તો રણવીરે જવાબ આપ્યો, એ કે મે પોતાની ભૂલને કારણે મારી ટીમના સભ્યોના પરિવારોને નિરાશ કર્યા. લોકો એ સમજતા નથી કે કેટલા લોકોની નોકરીઓ દાવ લાગી હતી. મેં 300થી વધુ લોકોનું કરિયર ખતમ કરી દીધું. લોકોને પડતા જોવાનું ભીડ પસંદ કરે છે, પરંતુ અમે આગળ વધતા રહીશું. હું અત્યારે પણ 100 ટકા ઠીક નથી. મારે મારું બધું જ આપવાનું છે કેમ કે ઘણા લોકોની આજીવિકા મારા કામ પર નિર્ભર કરે છે.