

ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં વક્ફ સંપત્તિઓ પર જે દાવો કર્યોં હતો, તેની સત્યતા હવે ગુજરાતમાં સામે આવી છે. શાહે વક્ફ સંશોધન કાયદા પર ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, ‘કેટલાક લોકો વક્ફની સંપત્તિને સામાન્ય કિંમતે ઉઠાવીને પાછળથી મોટી કમાણી કરી રહ્યા છે. બરાબર આવા જ પ્રકારનો એક મામલો ગુજરાતમાં સામે આવ્યો છે, જ્યાં 5 લોકોને વક્ફ સંપત્તિઓમાંથી 17 વર્ષથી સુધી ગેરકાયદેસર રીતે ભાડું વસૂલતા રંગેહાથ ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદમાં, આરોપીઓએ કાચની મસ્જિદ ટ્રસ્ટ અને શાહ બડા કાસમ ટ્રસ્ટની 5,000 ચોરસ મીટર જમીન પર ગેરકાયદેસર રીતે નિર્માણ કરીને લગભગ 100 દુકાનો અને ઘર બનાવ્યા હતા. વક્ફના ટ્રસ્ટી હોવાનો દાવો કરીને, આ લોકો દર મહિને તેનું ભાડું વસૂલતા હતા અને પોતાના ખિસ્સા ભરતા હતા. વર્ષ 2008 થી વર્ષ 2025 સુધી, આ લોકોએ નકલી ટ્રસ્ટી બનીને 142.69 કરોડ રૂપિયાનું ભાડું વસૂલ્યું, જે વક્ફ બોર્ડ માટે હતું. આ રકમ ધાર્મિક અને સામાજિક કાર્યો માટે ખર્ચ થવી જોઈતી હતી, મુસ્લિમોના કલ્યાણ માટે ઉપયોગ થવી જોઈતી હતી, પરંતુ તે તેમના ખિસ્સામાં જતી રહી.
આખરે કેવી રીતે ખુલ્યું રહસ્ય?
પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટની જમીન પર ભાડૂઆત મોહમ્મદ રફીક અંસારીએ તેની ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કરી હતી. તેણે કહ્યું કે અમે તો દર મહિને ભાડું ચૂકવી દઇએ છીએ, પરંતુ આ પૈસા ન તો ટ્રસ્ટના ખાતામાં જમા થયા કે ન તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાતામાં ભરવામાં આવ્યા. ત્યારબાદ, પોલીસે ભાડું વસૂલતા 5 આરોપીઓ સામે FIR નોંધી હતી. તેમાં સલીમ ખાન પઠાણ નામનો એક હિસ્ટ્રી શીટર પણ છે. હાલમાં, તેની ધરપકડ કરવામાં આવી છે. DCP ભરત રાઠોડે જણાવ્યું હતું કે, આરોપીઓએ નકલી દસ્તાવેજથી સંપત્તિ પર કબજો કર્યો હતો. પોલીસે તેને છેતરપિંડી અને ઠગબાજીનું સંગઠિત રેકેટ ગણાવ્યું છે.

વક્ફની કેટલી સંપત્તિ?
એક અનુમાન મુજબ, દેશભરમાં વક્ફની 58,929 સંપત્તિઓ પર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, 994 વક્ફ સંપત્તિઓ ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં આવી છે. તેમાં તામિલનાડુમાં 734, આંધ્ર પ્રદેશમાં 152, પંજાબમાં 63, ઉત્તરાખંડમાં 11 અને જમ્મુ-કાશ્મીરમાં 10 સંપત્તિઓ સામેલ છે. દેશમાં કુલ 8.8 લાખથી વધુ વક્ફ સંપત્તિઓ રજિસ્ટર્ડ છે. તેમાંથી 8,72,352 અચલ અને 16,713 ચલ સંપત્તિઓ છે.