

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને ફોન કરીને તેમને કેન્દ્રના નિર્ણયથી અવગત કરાવ્યા હતા, જેમાં પાકિસ્તાની નાગરિકોને 14 કેટેગરીમાં આપવામાં આવેલા તમામ હાલના કાયદેસર વિઝાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે રાજ્યોને એ સુનિશ્ચિત કહ્યું હતું કે તેઓ અહીં રહેતા પાકિસ્તાનીઓ અને અન્ય ગેરકાયદેસર પ્રવાસીઓની જાણકારી મેળવે અને તેમને 26-29 એપ્રિલ સુધીની સમયમર્યાદાની અંદર ભારત છોડવા કહે.

કેન્દ્ર સરકારના આ નિર્દેશ બાદ તમામ રાજ્યો, ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યોએ અહીં રહેતા ગેરકાયદેસર પ્રવાસીઓને ઓળખવા માટે મોટા પ્રમાણમાં અભિયાન ચલાવ્યું છે. આ સંદર્ભમાં, ગુજરાતના અમદાવાદમાં 400થી વધુ શંકાસ્પદ પ્રવાસીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના DCP પી. અજીત રાજિયને કહ્યું કે, ‘અમે SGO, EOW, ઝોન 6 અને હેડક્વાર્ટરની ટીમો સાથે મળીને અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી પ્રવાસીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ અભિયાન દરમિયાન 400થી વધુ શંકાસ્પદ પ્રવાસીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.’
બીજી તરફ, સુરત પોલીસની SOG અને ક્રાઇમ બ્રાંચ ટીમોએ શહેરના અલગ-અલગ વિસ્તારોના 100થી વધુ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોને કસ્ટડીમાં લીધા છે. પોલીસની ટીમ આ લોકોની પૂછપરછ કરી રહી છે. અમદાબાદમાં કસ્ટડીમાં લેવાયેલા ગેરકાયદેસર પ્રવાસીઓમાં બાંગ્લાદેશીઓની સંખ્યા વધુ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના JCP શરદ સિંઘલે કહ્યું કે, ગૃહ મંત્રી હર્ષ સંઘવી, DGPની સૂચના અનુસાર, અમદાવાદમાં ચંડોળાની આસપાસ રહેતા ગેરકાયદેસર પ્રવાસીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. અમે 457 ગેરકાયદેસર પ્રવાસીઓને પકડ્યા છે, બધાની પૂછપરછ કરવામાં આવી રહી છે. અમે તેમને ડિપોર્ટ કરીશું.
તેમણે કહ્યું કે, આ અગાઉ 2 FIR કરીને 127 બાંગ્લાદેશી ઘુસણખોરોની ધરપકડ કરવામાં આવી હતી, તેમાંથી 70ને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને બાકીનાને રિપોર્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ ગેરકાયદેસર પ્રવાસીઓમાં મોટાભાગના પાસે નકલી ભારતીય દસ્તાવેજો મળ્યા છે. કોની મદદથી તેઓ દસ્તાવેજો બનાવડાવે છે, તેની તપાસ કરી રહ્યા છીએ. કસ્ટડીમાં લેવામાં આવેલા 457 ગેરકાયદેસર પ્રવાસીઓની પૂછપરછ ચાલી રહી છે અને અમે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તેઓ કોના સંપર્કમાં છે, કેવી રીતે ભારતમાં પ્રવેશ્યા અને તેમના દસ્તાવેજોની પણ તપાસ ચાલી રહી છે.