

તમારું બાળક જો મોઢાથી શ્વાસ લેતું હોય કે રાત્રે મોઢું ખોલીને સૂતું હોય તો ચેતી જજો. તેની સ્કૂલનું રીઝલ્ટ બગડી શકે છે. સામાન્ય રીતે અવગણવામાં આવે છે મોઢાથી શ્વાસ લેવામાં કોઇ વાંધો નથી. પરંતુ થઇ રહેલા સંશોધનો બતાવે છે કે તે માનસિક કાર્યક્ષમતા માટે ગંભીર ચિંતાનો વિષય બની રહી છે. તાજેતરના એક અભ્યાસમાં ફંક્શનલ એમઆરઆઈ (fMRI) ની મદદથી જાણવા મળ્યું છે કે મોઢાથી શ્વાસ લેવાના કારણે મગજના મહત્વપૂર્ણ ભાગો જેવા કે વર્કિંગ મેમરી, ધ્યાન અને શીખવાની ક્ષમતા પર નકારાત્મક અસર થાય છે.
મોઢાથી શ્વાસ લેવું એ સામાન્ય રીતે એલર્જી કે કાકડા ફૂલી જવાના કારણે નાક બંધ થવાથી થાય છે. સામાન્ય લોકો પણ દૈનિક જીવન દરમિયાન આશરે 17% સમય મોઢાથી શ્વાસ લે છે. જો કે, લાંબા ગાળા સુધી મોઢાથી શ્વાસ લેવામાં આરોગ્યના ઘણા પાસાઓ, ખાસ કરીને દાંત, ફેફસા અને હવે મગજની કામગીરીને અસર થાય છે.

વિશેષજ્ઞો પહેલાથી જાણતા હતા કે મોઢાથી શ્વાસ લેવાના કારણે મોં સૂકાઈ જાય છે. લાળનું ઉત્પાદન ઘટે છે. તેના કારણે દાંત, પેઢા અને ચહેરાના આકારમાં ફેરફાર થાય છે. વધુમાં, મોઢાની હવા યોગ્ય રીતે ફિલ્ટર અને ગરમ ન થવાથી શ્વસનતંત્રની સમસ્યાઓ પણ ઊભી થાય છે.
હવે નવા અભ્યાસમાં જોવા મળ્યું છે કે મોઢાથી શ્વાસ લેતા બાળકોમાં ધ્યાન અને વર્કિંગ મેમરી સંબંધિત કાર્યોમાં તેમનું પ્રદર્શન ઘટે છે. પુખ્ત વયના લોકોમાં પણ સુગંધ સંબંધિત યાદશક્તિ પર અસર જોવા મળી છે.
ફંક્શનલ એમઆરઆઈ દ્વારા એવી માહિતી મળી કે જ્યારે વ્યક્તિ મોઢાથી શ્વાસ લે છે ત્યારે ડાબી સેરેબેલમ અને ઈન્ફિરિયર પેરાઈટલ જાયરસ જેવા મગજના ભાગો – જે યાદશક્તિ અને ધ્યાન માટે મહત્વપૂર્ણ છે – તે નોંધપાત્ર રીતે નિષ્ક્રિય રહે છે.

આ અભ્યાસ એ સૂચવે છે કે મોઢાથી શ્વાસ લેવું એ માત્ર દાંતની સમસ્યા નથી, પણ તે શૈક્ષણિક ક્ષમતા, ધ્યાન કેન્દ્રિત કરવું અને એકાગ્રતાને પણ અસર પહોંચાડે છે. નિષ્ણાતો માતાપિતા, શિક્ષકો અને ડોકટરોને સલાહ આપવામાં આપે છે કે મોઢાથી શ્વાસ લેવાની આદતને ગંભીરતાથી લો અને જરૂર પડે ત્યારે યોગ્ય સારવાર લો.