

ભારત આ વર્ષે જાપાનને પાછળ છોડીને દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (IMF)ના તાજેતરના રિપોર્ટ મુજબ, જાપાનની નોમિનલ GDP નાણાકીય વર્ષ 26માં 4.186 ટ્રિલિયન ડૉલર રહેશે, જ્યારે ભારતની GDP 4.187 ટ્રિલિયન ડૉલર સુધી વધવાની સંભાવના છે. ગયા વર્ષે ભારત દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની હતી. હવે આ નાણાકીય વર્ષમાં ભારત ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની અપેક્ષા છે. એજ રીતે, આગામી 3 વર્ષમાં, ભારત જર્મનીને પાછળ છોડીને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.

ભારતની GDP 2028 સુધીમાં વધીને 5.584 ટ્રિલિયન ડોલર થવાની ધારણા છે, જ્યારે જર્મનીની GDP આ સમય સુધીમાં માત્ર 5.251 ટ્રિલિયન ડૉલર રહેવાની ધારણા છે. ભારત 2027માં જ 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનશે અને તેની GDP 5.069 ટ્રિલિયન ડોલર થઈ જશે. અમેરિકા અને ચીન 2025 સુધી પણ દુનિયાની 2 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ રહેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા અને ચીન 2030 સુધી આ રેન્કમાં યથાવત રહેશે.
તેના તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકમાં, IMFએ ચેતવણી આપી છે કે છેલ્લા 80 વર્ષથી મોટાભાગના દેશો જે વૈશ્વિક આર્થિક વ્યવસ્થા હેઠળ કામ કરી રહ્યા છે તેને ફરીથી આકાર આપવામાં આવી રહ્યો છે, જેથી દુનિયા એક નવા યુગમાં પ્રવેશી રહી છે. IMFએ પોતાના રિપોર્ટમાં 2025 માટે ભારતના GDP વૃદ્ધિ દરના અનુમાનને 6.2 ટકા સુધી સમાયોજિત કર્યો છે. આ જાન્યુઆરીના આઉટલૂક રિપોર્ટમાં પ્રકાશિત થયેલા 6.5 ટકાના અગાઉના અંદાજ કરતા ઓછો છે.

દેશના GDP વૃદ્ધિના અનુમાનમાં ઘટાડાનું કારણ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફને લઈને કરવામાં આવેલા નિર્ણયોથી ઉભી થયેલી અનિશ્ચિતતાઓને બતાવવામાં આવી રહ્યું છે. IMF રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત માટે, 2025માં વૃદ્ધિની સંભાવનાઓ પ્રમાણમાં વધુ સ્થિર છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખાનગી વપરાશ દ્વારા સમર્થિત 6.2 ટકા છે, પરંતુ વેપાર તણાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાના ઊંચા સ્તરને કારણે જાન્યુઆરી 2025ના WEO અપડેટની તુલનમાં 0.3 ટકા ઓછો છે.