

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે, બાંગ્લાદેશમાં મોટા રાજકીય પરિવર્તનના સંકેતો દેખાઈ રહ્યા છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના વડા અને ભૂતપૂર્વ PM ખાલિદા ઝિયા લાંબા સમય પછી લંડનથી ઢાકા પહોંચ્યા છે. ખાલિદા ઝિયા તેમના ભારત વિરોધી વલણ માટે જાણીતા છે. ગયા વર્ષે ઓગસ્ટમાં વિદ્યાર્થી આંદોલન દરમિયાન, શેખ હસીના સરકારને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા અને તેઓ આશ્રય મેળવવા માટે ભારત આવ્યા હતા. ત્યાર પછી બનેલા રાજકીય વાતાવરણને પૂર્વ PM ખાલિદા ઝિયા પોતાના માટે અનુકૂળ માની રહ્યા છે.

બાંગ્લાદેશના કાર્યકારી PM મોહમ્મદ યુનુસની સરકારે પૂર્વ PM ખાલિદા ઝિયાના આતિથ્યમાં કોઈ કસર છોડી ન હતી. તેમના નીકળનારા લાંબા કાફલા માટે વિવિધ સ્થળોએ ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગત માટે સમર્થકો દ્વારા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા અને ચેક પોઇન્ટ ગોઠવી દેવામાં આવ્યા હતા. પૂર્વ PM ખાલિદા ઝિયાના ઘર ગુલશન પેલેસને પણ મહેલની જેમ શણગારવામાં આવ્યું હતું.
પૂર્વ PM ખાલિદા ઝિયા તેમની પુત્રવધૂઓ સાથે એર એમ્બ્યુલન્સ દ્વારા ઢાકા પહોંચ્યા હતા. એરપોર્ટથી લઈને તેમના ઘર ગુલશન પેલેસ સુધી પાર્ટી સમર્થકો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કતરના અમીર શેખ તમામ બિન હમદ અલ થાનીએ પૂર્વ PM ખાલિદા ઝિયાને માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપી હતી. એરપોર્ટ પર જ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના નેતાઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટની બહાર પણ હજારો સમર્થકો એકઠા થયા હતા.

ગયા વર્ષે એક વિશાળ સરકાર વિરોધી આંદોલન દરમિયાન શેખ હસીનાને સત્તા પરથી દૂર કરવામાં આવ્યા હતા અને નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં એક વચગાળાની સરકારે સત્તા સંભાળી હતી. પૂર્વ PM ખાલિદા ઝિયાની પાર્ટી યુનુસ પર ચૂંટણી કરાવવા માટે સતત દબાણ કરી રહી છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, યુનુસ સરકાર ડિસેમ્બર પહેલા ચૂંટણી કરાવવાના પક્ષમાં નથી અને તેને આવતા વર્ષે જૂન સુધી મુલતવી પણ રાખી શકે છે.

પૂર્વ PM ખાલિદા ઝિયાના સમર્થકો માને છે કે, શેખ હસીનાના દેશ છોડવા અને સામાન્ય લોકોમાં અવામી લીગ પાર્ટી સામેના ગુસ્સાને કારણે, બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી ફરીથી સત્તામાં આવી શકે છે. અવામી લીગના નેતા શેખ હસીનાએ જાન્યુઆરી 2009થી ઓગસ્ટ 2024 સુધી લગભગ 15 વર્ષ સુધી બાંગ્લાદેશના PM તરીકે સેવા આપી હતી.