

ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી, લગભગ દરરોજ આપણે અમેરિકામાંથી કોઈને કોઈ સમાચાર સાંભળીએ છીએ જે ચર્ચાનો વિષય બની જાય છે. આ વખતે ટ્રમ્પ સરકારે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે એક નવી યોજના શરૂ કરી છે. જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. ટ્રમ્પ વહીવટીતંત્રનું કહેવું છે કે, અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સને સ્વેચ્છાએ તેમના દેશમાં પાછા ફરવા માટે 1,000 ડૉલરનો ‘સ્ટાઇપેન્ડ’ અને મુસાફરી ખર્ચ આપવામાં આવશે. આ પગલું સામૂહિક દેશનિકાલને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યું છે. આ માહિતી આપતાં, ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)એ જણાવ્યું હતું કે, આ સુવિધા કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) હોમ એપ દ્વારા ઉપલબ્ધ થશે. આ કિસ્સામાં, અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોઈપણ ગેરકાયદેસર વિદેશી જે સ્વ-દેશનિકાલ માટે CBP હોમ એપ્લિકેશનનો ઉપયોગ કરશે તેમને 1,000 ડૉલરનું સ્ટાઇપેન્ડ પણ મળશે, જે તેમના દેશમાં પાછા ફરવાની પુષ્ટિ થયા પછી (એપ દ્વારા) ચૂકવવામાં આવશે.

‘સ્ટાઇપેન્ડ’નો ખર્ચ હોવા છતાં, એવો અંદાજ છે કે એપ્લિકેશનનો ઉપયોગ કરીને સ્વ-દેશનિકાલ કરવાથી દેશનિકાલનો ખર્ચ લગભગ 70 ટકા ઓછો થશે, એમ એક સમાચાર એજન્સીએ સ્થાનિક વિભાગનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું. હાલમાં, ગેરકાયદેસર વિદેશીની ધરપકડ, અટકાયત અને દૂર કરવાનો સરેરાશ ખર્ચ 17,121 ડૉલર છે.

હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે જણાવ્યું હતું કે, જો તમે અહીં ગેરકાયદેસર રીતે છો, તો સ્વ-દેશનિકાલ, એટલે કે જાતે જ નીકળી જવાથી પોતાની ધરપકડથી બચી શકાશે, યુનાઇટેડ સ્ટેટ્સ છોડવાનો શ્રેષ્ઠ, સલામત અને સૌથી સસ્તો રસ્તો છે. મિશિગનમાં તાજેતરમાં એક રેલીમાં બોલતા, US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમના કાર્યકાળના પ્રથમ 100 દિવસ ઇતિહાસમાં કોઈપણ US વહીવટીતંત્રમાં સૌથી સફળ હતા. ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના દેશનિકાલમાં વધારો જેવી નીતિઓને તેમની મુખ્ય સિદ્ધિઓમાં ગણાવી હતી. બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યુશન દ્વારા પ્રકાશિત તાજેતરના વિશ્લેષણ મુજબ, ‘એક ક્ષેત્ર જ્યાં વહીવટ તેના અમલીકરણ લક્ષ્યોને પૂર્ણ કરવામાં નિષ્ફળ જતું દેખાય છે તે દેશનિકાલની સંખ્યા છે.’ વિશ્લેષણમાં જણાવાયું છે કે, ‘જ્યારે દેશનિકાલની સંખ્યા સામાન્ય બની રહી છે, ત્યારે તેની તીવ્ર અસરો સંભવિત રીતે ગંભીર છે.’

આ દરમિયાન, ઘણા નિષ્ણાતોએ વહીવટની ઇમિગ્રેશન નીતિઓના પરિણામો અંગે ચિંતા વ્યક્ત કરી. બ્રુકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશનના સિનિયર ફેલો ડેરેલ વેસ્ટે સિન્હુઆને જણાવ્યું કે, ‘અમેરિકનો ગેરકાયદેસર રીતે સરહદ પાર કરતા ઇમિગ્રન્ટ્સ અંગે ચિંતિત છે, તેથી રાજકીય રીતે આ એક સારો મુદ્દો રહ્યો છે. પરંતુ સર્વેક્ષણો દર્શાવે છે કે, લોકોને તેમનો અભિગમ પસંદ નથી અને તેઓ માને છે કે તે યોગ્ય પ્રક્રિયા વિના લોકોને દેશનિકાલ કરી રહ્યા છે.’