

કેનેડા દ્વારા 15-17 જૂન દરમિયાન G-7 સમિટનું આયોજન કરવામાં આવશે. આલ્બર્ટાના કનાનાસ્કિસમાં યોજાનારી G-7 સમિટ શરૂ થવામાં બે અઠવાડિયાથી પણ ઓછો સમય બાકી છે અને ભારતને હજુ સુધી આ સમિટ માટે આમંત્રણ મળ્યું નથી. આવી સ્થિતિમાં, જો ભારતને સમિટમાં આમંત્રણ આપવામાં નહીં આવે, તો 2019 પછી આ પહેલી વાર બનશે કે ભારત સમિટમાં હાજર રહેશે નહીં.

દિલ્હી-ઓટાવા સંબંધોમાં આવેલી કડવાશ કોઈના ધ્યાન બહાર રહી નથી. 2023માં, કેનેડાના તત્કાલીન PM જસ્ટિન ટ્રુડોએ કેનેડા સ્થિત ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય સરકારી એજન્ટોની સંડોવણીનો આરોપ લગાવ્યા પછી બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી. ભારતે આ આરોપોને વાહિયાત અને પ્રેરિત ગણાવીને ફગાવી દીધા હતા.
સામાન્ય રીતે, G-7નો યજમાન દેશ કેટલાક દેશોને મહેમાન દેશો અથવા આઉટરીચ ભાગીદારો તરીકે આમંત્રણ આપે છે. કેનેડા અત્યાર સુધી યુક્રેન અને ઓસ્ટ્રેલિયાને આમંત્રણ આપી ચૂક્યું છે. તેણે અન્ય મહેમાન દેશોના નામ જાહેર કર્યા નથી.

G-7 સમિટની સમય મર્યાદા જોતાં, સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આમંત્રણો માટે ખૂબ જ ઓછો સમય બાકી છે અને સુરક્ષા અને સંપર્ક ટીમો સામાન્ય રીતે PMની મુલાકાત પહેલા જ સ્થળ પર પહોંચી જાય છે. આવી સ્થિતિમાં, જો આમંત્રણ હવે મળે તો પણ PM નરેન્દ્ર મોદી G-7 સમિટમાં હાજરી આપે તેવી શક્યતા બહુ ઓછી છે. પરંતુ, જો આમંત્રણ આપવામાં આવે છે, તો એવી શક્યતા છે કે, કોઈ મંત્રી અથવા સરકારી પ્રતિનિધિ પણ હાજરી આપી શકે છે. આમંત્રણ મળ્યા પછી જ આ અંગે નિર્ણય લેવામાં આવશે.

2020 ને છોડીને જ્યારે યજમાન દેશ US દ્વારા G-7 બેઠક રદ કરવામાં આવી હતી, PM નરેન્દ્ર મોદી 2019થી દરેક સમિટમાં હાજરી આપી છે. ઓગસ્ટ 2019માં બિયારિટ્ઝમાં ફ્રાન્સ G-7 નેતાઓની સમિટનું યજમાન હતું. 2014માં નરેન્દ્ર મોદી PM બન્યા પછી આ પહેલું આમંત્રણ હતું.
25 મે 2025ના રોજ, કેનેડાના નવા વિદેશ પ્રધાન અનિતા આનંદે વિદેશ પ્રધાન S જયશંકર સાથે ફોન પર વાત કરી. માર્ક કાર્ને કેનેડાની ચૂંટણી જીતીને PM બન્યા પછી દિલ્હી અને ઓટાવા વચ્ચે આ પ્રથમ સત્તાવાર રાજકીય સ્તરનો સંપર્ક હતો, જેનાથી સંબંધોમાં સુધારો થવાની આશા જાગી છે. આનંદે કહ્યું કે, કેનેડા અમેરિકાથી દૂર વેપારમાં વૈવિધ્ય લાવવાના પ્રયાસમાં ભારત સાથે સંબંધો ફરીથી સ્થાપિત કરવા માટે ઉત્સુક છે, ભલે કેનેડિયન નાગરિક હરદીપ સિંહ નિજ્જરની હત્યાના સંદર્ભમાં RCMP તપાસ ચાલુ હોય.

એક મુલાકાતમાં નિજ્જરની હત્યાનો ઉલ્લેખ કરતા, અનિતા આનંદે કહ્યું, ‘અમે ચોક્કસપણે એક સમયમાં એક પગલું ભરી રહ્યા છીએ. જેમ મેં કહ્યું હતું, કાયદા સાથે ક્યારેય સમાધાન કરવામાં આવશે નહીં અને તમે જે કેસનો ઉલ્લેખ કર્યો છે તેના સંદર્ભમાં તપાસ ચાલુ છે.’