

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં એક નકલી આર્મી ટ્રેનિંગ કેમ્પનો પર્દાફાશ થયો છે. જિલ્લાના કિશની વિસ્તારમાં જટપુરા ચાર રસ્તા પાસે 22 વીઘા જમીન પર વિવિધ આર્મી બટાલિયનના ઝંડા લગાવેલા મળી આવ્યા હતા. દૂરથી જોતાં એવું લાગશે કે આ આર્મી ટ્રેનિંગ કેમ્પ છે. સેનામાં નોકરી અપાવવાના નામે 4 વર્ષમાં લગભગ 600 લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. છેતરપિંડી કરનારાઓએ તેમની સાથે 18 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.
પોલીસે આ સમગ્ર કેસના માસ્ટરમાઇન્ડ અરવિંદ પાંડે અને તેની એક સહાયકની ધરપકડ કરી છે. આ કેસ સેના સાથે સંબંધિત હોવાથી સેના પણ સક્રિય થઈ ગઈ છે. ધરપકડ કરાયેલ માસ્ટરમાઇન્ડ અરવિંદ પાંડે પોતાની ધાક જમાવવા માટે તેણે એક મીડિયા ચેનલ ખોલી છે. આ ઉપરાંત, તે એક પાર્ટી અને એક NGO પણ ચલાવી રહ્યો છે. જ્યારે, અરવિંદની માતા ત્રણ મંદિરોમાં સફાઈ અને પૂજા કરે છે.

કિશન તાલુકાથી થોડે દૂર એક ડિગ્રી કોલેજ છે. કોલેજની સામે 22 વીઘા ખાલી જમીન પડેલી છે. આ ખાલી જમીન અનિલ યાદવ અને તેના ભાઈની છે. માસ્ટરમાઇન્ડ અરવિંદ પાંડે દર મહિને 25,000 રૂપિયા ભાડું ચૂકવે છે. છેલ્લા 4 વર્ષથી આ ખાલી જમીન પર ભારતીય પોલીસ સુરક્ષા દળ નામનો તાલીમ શિબિર ચલાવવામાં આવી રહ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તાલીમની સંપૂર્ણ વ્યવસ્થા સાથે, રહેવા અને ખાવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ માટે એક નિશ્ચિત રકમ જમા કરાવવામાં આવી હતી. એટલું જ નહીં, અહીં પ્રવેશ મેળવનારા યુવાનોને કહેવામાં આવ્યું હતું કે, જો તેમને સેનામાં નોકરી નહીં મળે તો તેમને બીજે ક્યાંક નોકરી માટે પસંદ કરાવી દેવામાં આવશે.

તેલંગાણાના કરીમનગર જિલ્લાનો રહેવાસી અશોક 3 જૂને તેના 6 સાથીઓ સાથે કિશની પહોંચ્યો હતો. આ બધાએ કિશની પોલીસ સ્ટેશનમાં તાલીમ શિબિરના વડા અરવિંદ પાંડે વિરુદ્ધ FIR નોંધાવી હતી. અશોક તરફથી આ પ્રકારની ફરિયાદ આપવામાં આવી હતી. તેમાં એવું બતાવવામાં આવ્યું હતું કે, યુટ્યુબ દ્વારા જાહેરાત જોવામાં આવી હતી. અરવિંદ પાંડે 2 થી 3 લાખ રૂપિયા લઈને CRPF, વાયુસેના, નૌકાદળ અને આર્મીમાં તાલીમ લીધા પછી નોકરીમાં લગાવી દેતો હતો. અશોકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની સલાહ પર સાગર, ચંદ્રશેખર, શ્રીકાંત, રવિતેજા, વિજય અને લક્ષ્મણે 1 લાખ 20 હજાર ઓનલાઇન અને ત્યાર પછી 1 લાખ 30 હજાર રોકડા ચૂકવીને પ્રવેશ મેળવ્યો હતો.
3 મહિના પછી પણ ન તો કોઈને નોકરી મળી કે, ન તો કોઈના પૈસા પાછા ન મળ્યા. તેણે પોલીસને જણાવ્યું કે, અરવિંદ પાંડે આર્મી યુનિફોર્મ પહેરીને લોકોને ગેરમાર્ગે દોરીને અને છેતરપિંડી કરીને રૂપિયા ઠગી લેતો હતો. ફરિયાદના આધારે પોલીસે કેમ્પના માસ્ટરમાઇન્ડ અરવિંદ પાંડે અને એક ટ્રેનરની ધરપકડ કરી છે. પોલીસ અરવિંદ પાંડેની પૂછપરછ કરી રહી છે.