

યમુનાના કિનારે આવેલા પ્રાચીન શ્રી મનકામેશ્વર મહાદેવનો અભિષેક કરવા માટે ધોતી પહેરવી પડશે. ધોતી પહેર્યા વિના કોઈ પણ શ્રદ્ધાળું અભિષેક નહીં કરી શકે. મંદિર પ્રશાસને ધાર્મિક પરંપરાનું પાલન કરવા માટે પેન્ટ અને જીન્સ પહેરીને અભિષેક પર પ્રતિબંધ લગાવી દીધો છે. નવો નિયમ 11 જુલાઈથી શરૂ થતા શ્રાવણ મહિનાથી લાગૂ કરવામાં આવશે. પુરુષો ધોતી સાથે શર્ટ કે કૂર્તો પહેરી શકે છે. મહિલાઓને સાડી કે સલવાર સૂટ પહેરીને અભિષેક કરવાની મંજૂરી મળશે. આ નિયમ શ્રાવણ મહિના બાદ પણ લાગૂ રહેશે.

શ્રી મનકામેશ્વર અતિ પ્રાચીન મંદિર છે. દરરોજ 5000-6000 શ્રદ્ધાળું અહીં દર્શન-પૂજન માટે આવે છે. શ્રાવણ મહિનામાં દરરોજ 20 હજારથી વધુ શ્રદ્ધાળું આવે છે. તો શ્રાવણના સોમવારે 50 હજારથી વધુ શ્રદ્ધાળું આવે છે. મંદિરની આસપાસ મહિલાઓ સાથે છેડછાડ અને ઘરેણાં છીનવી લેવાના કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. તેને જોતા મંદિર પ્રશાસને અમર્યાદિત કપડાં પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ અંતર્ગત ફાટેલા જીન્સ, સ્કર્ટ, હાફ પેન્ટ અને અભદ્ર કપડાં પહેરીને કોઈ દર્શન-પૂજન નહીં કરી શકે, પરંતુ મોટાભાગના પુરુષ અને મહિલા શ્રદ્ધાળું પેન્ટ અને જીન્સ પહેરીને અભિષેક કરે છે. મંદિર પ્રશાસને તેના પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. મંદિરના પૂજારીઓને કડક નિર્દેશ આપવામાં આવ્યા છે કે પેન્ટ પહેરનારાઓને અભિષેક ન કરાવો.
મંદિર પ્રશાસનનું કહેવું છે કે જો શ્રદ્ધાળું ઇચ્છે તો ધોતી પોતાની સાથે લાવી શકે છે. જો તેમની પાસે ધોતી ન હોય તો મંદિર પ્રશાસન ઉપલબ્ધ કરાવશે. તેને પહેરીને વિધિ-વિધાનથી શ્રી મનકામેશ્વર મહાદેવનો અભિષેક અને પૂજા કરી શકે છે. ધોતી માટે કોઈ ફી લેવામાં નહીં આવે. પૂજા બાદ, તે મંદિર પ્રશાસનને આપી દેવી પડશે.

શ્રી મનકામેશ્વર મંદિરના મહંત શ્રીધરાનંદ બ્રહ્મચારીના જણાવ્યા અનુસાર, આરાધ્યની સ્તુતિમાં કપડાંનું વિશેષ મહત્ત્વ છે. એવું નથી કે જે ઇચ્છો તે જ પહેરીને પૂજા કરવા લાગો. ધોતી પવિત્ર હોય છે. તેને પહેરીને પૂજા કરવાથી, આરાધ્ય પ્રત્યે સન્માન અને ભક્તિની લાગણી આપમેળે પ્રકટ થાય છે. અત્યારે શ્રૃંગાર પૂજામાં ધોતી પહેરવાનું અનિવાર્ય કરવામાં આવ્યું છે. શ્રાવણ મહિનાથી અભિષેક માટે આ નિયમ હંમેશાં માટે લાગૂ પડશે. પેન્ટ અને જીન્સ પશ્ચિમી સંસ્કૃતિનું પરિધાન છે. સનાતન ધર્મ અને સંસ્કૃતિમાં ધોતી-કુર્તા મુખ્ય પરિધાન છે. દરેક સનાતનીએ તેને ધારણ કરવા જોઈએ.