

રાજા રઘુવંશીની હત્યાના ચારેય આરોપીઓએ ગુનો સ્વીકારી લીધો છે. પૂછપરછમાં આરોપીઓએ કહ્યું કે, તેમણે રાજા રઘુવંશીની હત્યા કરી છે અને હત્યા બાદ તેનું શબ ઊંડી ખાડામાં ખીણમાં ફેંકી દીધું હતું. ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચે આરોપીના આ કબૂલનામાની પુષ્ટિ કરી છે, જેમાં રાજાની પત્ની સોનમ રઘુવંશી મુખ્ય આરોપી અને કાવતરાખોર બતાવવામાં આવી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ અનુસાર, રાજા પર પહેલો હુમલો વિશાલ ઉર્ફે વિક્કી ઠાકુરે કર્યો હતો. આરોપીઓએ જણાવ્યું કે તેઓ પહેલા ઇન્દોરથી ટ્રેન દ્વારા ગુવાહાટી ગયા અને ત્યાંથી શિલોંગ પહોંચ્યા. ઇન્દોરથી સીધી ટ્રેન ન હોવાને કારણે તેમને મેઘાલય પહોંચવા માટે ઘણી ટ્રેનો બદલવી પડી.

રાજ કુશવાહા આ દરમિયાન ઇન્દોરમાં જ હતો, પરંતુ તેણે વિશાલ, આકાશ અને આનંદ નામના ત્રણેય આરોપીઓને મેઘાલયમાં ખર્ચ માટે લગભગ 40-50 હજાર રૂપિયા આપ્યા હતા. હત્યાકાંડના સમયે સોનમ રઘુવંશી પણ ત્યાં હાજર હતી. આરોપીએ કહ્યું કે, સોનમ પોતાના પતિ રાજાને મરતા જોઈ રહી હતી. ત્યારબાદ, આરોપીઓએ રાજાના શબને ઊંડી ખીણમાં ફેંકી દીધું. ઇન્દોર ક્રાઇમ બ્રાન્ચના ACP પૂનમ ચંદ યાદવે જણાવ્યું હતું કે, આ મામલે સોનમના ઇન્દોર પરત ફરીને આવવા કે ન આવવાના મામલાની પુષ્ટિ મેઘાલય પોલીસ જ કરી શકશે. તેમણે કહ્યું કે આ સંબંધમાં ઇન્દોર પોલીસ પાસે અત્યારે કોઈ તથ્ય હાથ લાગ્યું નથી. આરોપી વિશાલે હત્યાકાંડને અંજામ આપતી વખતે જે કપડાં પહેર્યા હતા, તેને વિશાલના ઘરેથી જ જપ્ત કરી લેવામાં આવ્યા છે. તેમને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવશે. જેથી પુષ્ટિ થઈ શકે કે લોહીના ડાઘ રાજાના છે કે નહીં.

સોનમ રઘુવંશીને સોમવારે સવારે ઉત્તર પ્રદેશના ગાઝીપુરથી કસ્ટડીમાં લેવામાં આવી હતી. તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તેણે મદદ માટે એક ઢાબા માલિકનો સંપર્ક કર્યો હતો. તેણે દાવો કર્યો કે, તેને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તે બેહોશ થઈ ગઈ હતી અને તેને યાદ નથી કે તે ગાઝીપુર કેવી રીતે પહોંચી. ઇન્દોરના રહેવાસી રાજા રઘુવંશીએ સોનમ રઘુવંશી સાથે હત્યાના 12 દિવસ અગાઉ લગ્ન કર્યા હતા. તેઓ હનીમૂન માટે મેઘાલય ગયા હતા. ત્યારબાદ તેઓ 23 મેના રોજ મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરા વિસ્તારમાં હતા, જ્યાંથી કહેવામાં આવી રહ્યું છે કે તે ગુમ થઈ ગયો હતો. રાજા રઘુવંશીનું શબ 2 જૂનના રોજ એક ખીણમાંથી મળી આવ્યું હતું.