


જો તમારા PAN અને બેંક ખાતા હજુ પણ લિંક નથી થયા, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. કરદાતાઓને પણ આ સમાચારનો ફાયદો થવાનો છે. આના દ્વારા, તમારા આવકવેરા રિફંડ પહેલા કરતા વહેલા ખાતામાં જમા થઈ જશે. અત્યાર સુધી, ટેક્સ રિફંડ પ્રક્રિયા કરવામાં 15થી 20 દિવસ લાગતા હતા. પરંતુ હવે તેનો સમયગાળો ઘટવાની અપેક્ષા છે. હકીકતમાં, કરદાતાઓને રાહત આપતા, સરકારે PAN અને બેંક ખાતાને લિંક કરવાની નવી સુવિધા શરૂ કરી છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ આવકવેરા ઈ-ફાઈલિંગ પર PAN અને બેંક ખાતાના વેરિફિકેશન સંબંધિત સુવિધા શરૂ કરી છે. આ સુવિધા કરદાતાઓને આવકવેરા ઈ-ફાઈલિંગ વેબસાઇટ પર PAN અને બેંક ખાતાને લિંક કરવાની પ્રક્રિયામાં મદદ કરે છે. NPCI દ્વારા બહાર પડાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું હતું કે, તેનો હેતુ બેંકોની કોર બેંકિંગ સિસ્ટમ (CBS)થી સીધા જ PAN વિગતો, બેંક ખાતાની સ્થિતિ અને ખાતાધારકની ઓળખને વાસ્તવિક સમયમાં ચકાસવાનો છે. આ સુવિધાની જાહેરાત 17 જૂન 2025ના રોજ બહાર પડાયેલા એક પરિપત્રમાં કરવામાં આવી હતી.

આ પહેલને આગળ ધપાવતા, NPCIએ ખાસ કરીને સરકારી વિભાગો માટે એક નવું PAN અને બેંક ખાતા ચકાસણી API રજૂ કર્યું છે. આ API બેંકોની કોર બેંકિંગ સિસ્ટમ (CBS)માંથી સીધા જ PAN વિગતો, બેંક ખાતાની સ્થિતિ અને ખાતાધારકના નામની ચકાસણી કરવામાં મદદ કરશે.
17 જૂન 2025ના NPCIના પરિપત્ર મુજબ, આ APIનો ઉપયોગ સરકારી વિભાગો દ્વારા ગ્રાહક ખાતાની વિગતો જેમ કે PAN ચકાસણી/ખાતાની સ્થિતિ ચકાસણી/ખાતાધારકનું નામ તેમની બેંક CBS (કોર બેંકિંગ સિસ્ટમ)માંથી ચકાસણી માટે કરવામાં આવશે. આ ભારત સરકારને પૂરી પાડવામાં આવતી સેવા છે, તેથી તમામ સભ્યોને પ્રાથમિકતાના ધોરણે તેનો અમલ કરવા માટે જરૂરી પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે.

નિષ્ણાતો કહે છે કે, નવી સુવિધા PAN અને બેંક ખાતાની વિગતોની તાત્કાલિક ચકાસણી કરીને આવકવેરા રિફંડ અને DBTની પ્રક્રિયાને ઝડપી અને ભૂલમુક્ત બનાવશે. આનાથી વિલંબ ઓછો થશે અને છેતરપિંડીનું જોખમ પણ ઘટશે. NPCIના સુરક્ષિત API ધોરણોને અનુસરવા માટે બેંકોએ તેમની સિસ્ટમોને અપગ્રેડ કરવી પડશે, જેમાં મોટા ઓપરેશનલ ફેરફારો શામેલ હોઈ શકે છે. આનાથી કરદાતાઓને ઝડપી અને ભૂલ-મુક્ત રિફંડ મળશે. આ ફેરફાર સિસ્ટમ અપગ્રેડ અને સાયબર સુરક્ષા જોખમોને પણ ઘટાડશે.