fbpx

‘હા, એક ક્ષણ માટે મને જરૂર ખરાબ લાગ્યું, પરંતુ..’, ભારતીય ટીમની ખરાબ ફિલ્ડિંગ પર બૂમરાહે તોડ્યું મૌન

Spread the love
‘હા, એક ક્ષણ માટે મને જરૂર ખરાબ લાગ્યું, પરંતુ..’, ભારતીય ટીમની ખરાબ ફિલ્ડિંગ પર બૂમરાહે તોડ્યું મૌન

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચાલી રહેલી ટેસ્ટ મેચ હવે એક રોમાંચક વળાંક પર પહોંચી રહી છે. આ મેચમાં, ભારતીય ટીમે પોતાની પહેલી ઇનિંગમાં 471 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગ 465 રન પર જ સમેટાઇ ગઈ. ત્યારબાદ ભારતીય ટીમે ત્રીજા દિવસ (22 જૂન)ના રોજ સ્ટમ્પ સુધી પોતાની બીજી ઇનિંગમાં 2 વિકેટ ગુમાવીને 90 રન બનાવી લીધા હતા. ભારતની કુલ લીડ 96 રનોની છે અને તેની પાસે 8 વિકેટ બાકી છે.

આ મેચમાં ભારતીય ટીમની સ્થિતિ ખૂબ સારી હોત, પરંતુ ટીમના ખેલાડીઓએ ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગમાં 6 કેચ છોડ્યા. તેમાંથી 4 કેચ ફાસ્ટ બોલર જસપ્રીત બૂમરાહના બોલ પર છૂટ્યા હતા. આ જીવનદાન ભારતીય ટીમને ખૂબ મોંઘા પડ્યા અને ઇંગ્લેન્ડની ટીમ પહેલી ઇનિંગમાં માત્ર રનથી પાછળ રહી. હવે ખરાબ ફિલ્ડિંગ બાદ ભારતીય ખેલાડીઓ પર સવાલ ઉભા થઈ રહ્યા છે. જોકે, જસપ્રીત બૂમરાહને પોતાની ટીમ સામે કોઈ ફરિયાદ નથી. બૂમરાહનું માનવું છે કે ટીમમાં ઘણા એવા ખેલાડીઓ છે જેમને આ ફોર્મેટમાં આવ્યા તેનો વધારે સમય થયો નથી, એટલે તેમની નિંદા કરવી વાજબી નથી.

bumrah

જસપ્રીત બૂમરાહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘હા, એક ક્ષણ માટે મને જરૂર ખરાબ લાગ્યું, પરંતુ તમે બેસીને રડી તો નહીં શકો, ખરું ને? તમારે રમત સાથે આગળ વધવું પડશે. એટલે હું પ્રયાસ કરું છું કે તેને મગજમાં વધારે દૂર ન લઈ જાઉં અને તેને ઝડપથી ભૂલી શકું. અમારા ઘણા ખેલાડીઓ અત્યારે આવ્યા (નવા) છે અને તેમને થોડો સમય મળવો જોઈએ.

જસપ્રીત બૂમરાહ કહે છે, ક્યારેક-ક્યારેક બોલ જોઈ શકવા મુશ્કેલ થઈ જાય છે, કોઈ જાણી જોઈને કેચ છોડતું નથી. બધા ખેલાડીઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. આવું થતું રહે છે. એટલે હું કોઈ હોબાળો ઊભો કરવા માગતો નથી, હું એવું દર્શાવવા માગતો નથી કે હું ગુસ્સામાં છું કે હું બોક્સને લાત મારી રહ્યો છું, જેથી ફિલ્ડર પર વધારાનું દબાણ આવે. જો કેચ પહેલા જ પકડી લેવાતા તો સારું હોત, પરંતુ ખેલાડીઓ આ અનુભવમાંથી શીખશે.

bumrah

લીડ્સ ટેસ્ટમાં જસપ્રીત બૂમરાહે ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી. વિદેશી ધરતી પર ટેસ્ટ ક્રિકેટમાં બૂમરાહે 12મી વખત 5 વિકેટ લીધી હતી. હવે બૂમરાહ વિદેશી ધરતી પર સૌથી વધુ 5 કે તેનાથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરોની લિસ્ટમાં સંયુક્ત રીતે પહેલા નંબર પર આવી ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે કપિલ દેવે પણ 12 વખત આ કારનામું કર્યું હતું.

error: Content is protected !!