

છેલ્લાં અઢી વર્ષથી મંદીનો સામનો કરી રહેલા ડાયમંડ ઉદ્યોગ માટે સારા સમાચાર છે. તાજેતરમાં અમેરિકાના નેવાડામાં યોજાયેલા JCK લાસ વેગાસ જ્વેલરી શો 2025ને જબરદસ્ત પ્રતિસાદ સાંપડ્યો છે અને સુરતના અનેક ઉદ્યોગકારો પ્રદર્શનમાં ભાગ લેવા ગયા છે.
લાસ વેગાસ શોમાં ભાગ લેવા ગયેલા સુરત લેબગ્રોન ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઇ વાઘાણીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે, JCKશોને સારો પ્રતિસાદ મળ્યો છે અને અહીં દુનિયાભરના નિષ્ણાતો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે કે, દિવાળી સુધીમાં સુરતના ડાયમંડ ઉદ્યોગની ગાડી પાટા પર આવી જશે અને મંદીની વાતો ભુલાઇ જશે.
GJPECના રિજિયોનલ ચેરમેન જયંતિ સાવલિયાએ કહ્યુ હતું કે હવે ડિબીયર્સની આંખો ખુલી ગઇ છે અને દુનિયાભરના રિટેલ સ્ટોર્સમાં ડિ બીયર્સે નેચરલ ડાયમંડ માટે કેમ્પેઇન શરૂ કર્યું છે, જેની અસર જોવા મળી શકે છે.
