

સૌરાષ્ટ્રમાં છેલ્લા એક મહિનાથી વરસી રહેલા ધોધમાર વરસાદે ગિરનાર અને દાતાર પર્વત સહિત આસપાસના વિસ્તારમાં કુદરતનો અનોખો નજારો સર્જ્યો છે. સતત વરસાદને કારણે ચારેય બાજુ લીલોતરી છવાઈ ગઈ છે, જાણે ગિરનાર પર્વતે લીલીછમ ચાદર ઓઢી હોય તેવું આહ્લાદક દૃશ્ય જોવા મળી રહ્યું છે. છેલ્લા એક મહિનામાં ગિરનાર પર 34 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના પરિણામે તમામ નદી-નાળા છલકાઈ ગયા છે.

દાતાર પર્વત પર ધોધમાર પાણીના ધોધ, હિલ સ્ટેશન જેવો નજારો
દાતાર પર્વત પર પડેલા ભારે વરસાદથી પહાડો પરથી પાણીના ધોધ વહેતા થયા છે. ગઈકાલે વરસેલા વરસાદને કારણે ફરીથી ઝરણાંઓ જીવંત બન્યા છે અને જંગલની પહાડીઓમાંથી પાણી વહેતું જોવા મળી રહ્યું છે. આ દૃશ્યો કોઈ હિલ સ્ટેશનથી કમ નથી લાગી રહ્યા, જે પ્રકૃતિ પ્રેમીઓ માટે આંખોને ઠારનારો અનુભવ છે.
વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો, પ્રવાસીઓ ઉમટી પડ્યા
જૂનાગઢ શહેરની જનતા માટે ચોમાસામાં પ્રિય એવા ગિરનાર, ભવનાથ અને વિલિંગ્ડન ડેમ હાલ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે. ખાસ કરીને વિલિંગ્ડન ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યો છે, જેના મનમોહક દૃશ્યો જોવા માટે આસપાસથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. ડેમના આહ્લાદક કુદરતી દૃશ્યોનો આનંદ માણવા લોકો જાણે કુદરતના ખોળે પહોંચી ગયા હોય તેવો અનુભવ કરી રહ્યા છે.

રોપવે બંધ છતાં પ્રકૃતિનો આનંદ લેવા પગપાળા જાય છે પ્રવાસીઓ
ગિરનાર પર્વત પર ભારે વરસાદના કારણે છેલ્લા ઘણા દિવસોથી રોપવે સેવા બંધ છે. તેમ છતાં, પ્રકૃતિ પ્રેમીઓ પગપાળા સીડીઓ ચડીને આ અદ્ભુત કુદરતી સૌંદર્યનો આનંદ માણવા પહોંચી રહ્યા છે. ગિરનાર પર્વત પર વાદળો જાણે વાતો કરતા હોય તેવા દૃશ્યો પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે.
