

ભારતીય રેલવે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા અને સુવિધાઓ માટે તમામ પ્રયાસો કરી રહી છે, ત્યારે હવે રેલવેએ એક નિયમ કડકાઈથી લાગૂ કરવાની તૈયારી કરી છે, જે બિલકુલ વિમાનમાં મુસાફરી કરનારા મુસાફરો જેવો જ હશે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ, મુસાફરી દરમિયાન લઈ જવામાં આવતા સામાનના વજન બાબતે, જે હવે એરલાઇન્સની જેમ રેલવે દ્વારા નિયંત્રિત કરશે. જોકે આ નિયમ પહેલાથી જ છે, પરંતુ તેને પૂરી રીતે લાગૂ કરી શકાયો નહોતો.
હવે, મુસાફરો ભારતીય રેલવેમાં મુસાફરી કરવા દરમિયાન માત્ર નિર્ધારિત ધોરણો અનુસાર જ સામાન પોતાની સાથે લઈ જઈ શકશે. દેશના કેટલાક મુખ્ય રેલવે સ્ટેશનો પર સામાનના વજન પર તેની સાથે સંબંધિત મર્યાદાને કડકાઈથી લાગૂ કરવામાં આવશે. એરલાઇન્સની જેમ, ટ્રેન મુસાફરી માટે પણ આ નિયમને પૂરી રીતે લાગૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. નિયમ અનુસાર, મુસાફરીની વિવિધ કેટેગરીઓ માટે મફત સામાનની મંજૂરી અલગ-અલગ હોય છે.

જેમ કે ફર્સ્ટ ક્લાસ AC કોચમાં મુસાફરી કરનારાઓને 70 કિલો સુધીનો સામાન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે. AC સેકન્ડ ક્લાસના મુસાફરો માટે આ મર્યાદા 50 કિલો અને થર્ડ AC અને સ્લીપર ક્લાસના મુસાફરો માટે આ મર્યાદા 40 કિલો સુધી રહેશે. તો જનરલ ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોની વાત કરીએ, તો તેઓ જે સામાન પોતાની સાથે લઈ જઈ શકે છે તેનું વજન 35 કિલો સુધી હોઈ શકે છે.
હાલમાં ઉત્તર રેલવે અને ઉત્તર મધ્ય રેલવેએ લખનૌ અને પ્રયાગરાજ વિભાગના મુખ્ય સ્ટેશનોથી આ વ્યવસ્થાની શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. જે રેલવે સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે તેમાં પ્રયાગરાજ, મિર્ઝાપુર, કાનપુર અને અલીગઢ જંકશનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, લખનૌ ચારબાગ, બનારસ, પ્રયાગરાજ છિવકી, સુબેદારગંજ, મિર્ઝાપુર, ટૂંડલા, અલીગઢ, ગોવિંદપુરી અને ઇટાવા પણ લિસ્ટમાં સામેલ છે. રેલવે અધિકારીઓનું આ સંદર્ભમાં કહેવું છે કે, આ નિયમો રેલવે મુસાફરોની સુરક્ષા અને સુવિધા બંને માટે જરૂરી છે, કારણ કે ઘણી વખત મુસાફરો તેમની સાથે વધુ પડતો સામાન લઈ જાય છે, જેના કારણે કોચમાં બેસવામાં અને ચાલવામાં સમસ્યા થાય છે. તેમણે વધારાના સામાનને સુરક્ષા જોખમ ગણાવ્યું છે.

એરપોર્ટની જેમ જ રેલવે સ્ટેશન પર પણ સામાન બુક કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. જો બેગ કે બ્રીફકેસનું વજન નિર્ધારિત મર્યાદા કરતા વધુ હશે અને તેનાથી બોર્ડિંગ સ્પેસમાં અવરોધ ઉભો થાય છે, તો તેમના પર દંડ લગાવવાની પણ જોગવાઈ છે. રેલવે અનુસાર, જો ચેકિંગ દરમિયાન નિર્ધારિત મર્યાદા કરતા વધુ અને બૂક ન કરાયેલ સામાન મળી આવે, તો સામાન્ય દર કરતા વધુ ચાર્જ ચૂકવવો પડશે. તમને જણાવી દઈએ કે મુસાફરોને તેમની સાથે 10 કિલો સુધીનો વધારાનો સામાન લઈ જવાની મંજૂરી આપવામાં આવશે, તેનાથી વધુ સામાન બૂક કરાવવો પડશે.
ભારતીય રેલવે મુસાફરોના સામાનને લઈને નિયમો લાગૂ કરવા અને તેને સરળતાથી ચલાવવા માટે સ્ટેશનો પર ઇલેક્ટ્રોનિક લગેજ મશીનો પણ લગાવશે. રેલવે પ્લેટફોર્મ પર પ્રવેશતા પહેલા મુસાફરોની બેગનું વજન અને સાઇઝ ચેક કરવામાં આવશે. બીજી ખાસ વાત એ છે કે મુસાફરોના સામાનનું માત્ર વજન જ નહીં, પરંતુ તેમની ટ્રાવેલ બેગની સાઇઝ પણ આ દાયરામાં રાખવામાં આવશે. મતલબ સ્પષ્ટ છે કે, જો બેગની સાઇઝ જરૂરિયાત કરતા મોટી હોય તો પેનલ્ટી લાગી શકે છે, ભલે વજન લિમિટ કરતા ઓછું કેમ ન હોય. લખનૌ ઉત્તર રેલવેના સીનિયર DCM કુલદીપ તિવારીના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુવિધા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે.