

આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર હાજર અવકાશયાત્રીઓએ બે ખૂબ જ અદ્ભુત અને રહસ્યમય વાદળી જેટ જોઈ છે. આ પૃથ્વીના વાતાવરણ ઉપર ઉડતી વીજળીનો એક મોટો જેટ છે. આ વીજળીની ઘટનાઓ તોફાની વાદળોથી ખૂબ ઉપર થાય છે અને વૈજ્ઞાનિકો હજુ સુધી તેની પાછળનું રહસ્ય સંપૂર્ણપણે સમજી શક્યા નથી. સ્પેસ વેબસાઇટ અનુસાર, નાસાના અવકાશયાત્રી બુચ વિલ્મોરે વાદળી જેટના ફોટા લીધા છે. આ એક ખાસ પ્રકારની વીજળી છે જે ઉપર જાય છે અને અવકાશની ધાર સુધી પહોંચે છે. અવકાશયાત્રી ડોન પેટિટે આ તસવીર શેર કરી છે.

સામાન્ય વીજળી જે જમીન તરફ નીચે આવે છે, તેનાથી વિપરીત, સ્પ્રાઈટ અને વાદળી જેટ વાદળોથી ઉપર તરફ ચમકે છે, જેના કારણે આ લાઇટ્સ રંગબેરંગી દેખાય છે. ખાસ કરીને, વાદળી જેટ તોફાની વાદળોમાં વિદ્યુત ચાર્જના સંતુલન દ્વારા રચાય છે. તેઓ વાતાવરણમાં નાઇટ્રોજન સાથે જોડાય છે અને તેમાંથી ખાસ વાદળી ચમક ઉત્પન્ન કરે છે.

19 નવેમ્બર, 2024ના રોજ ISSના એક અવકાશયાત્રી દ્વારા બીજો ફોટો લેવામાં આવ્યો હતો. આ ફોટો વીજળીની લહેર દર્શાવે છે, જે દર્શાવે છે કે તેઓ કેટલા શક્તિશાળી હોઈ શકે છે. જોકે નાસાએ શરૂઆતમાં આ ચિત્ર પર ધ્યાન આપ્યું ન હતું, પરંતુ ફોટોગ્રાફર ફ્રેન્કી લુસેનાએ પાછળથી તેને ISS ફોટો ડેટાબેઝમાં શોધી કાઢ્યું. આ વિશાળ જેટ ન્યુ ઓર્લિયન્સના દરિયાકાંઠે આવેલા તોફાનમાંથી ઉદ્ભવ્યો હતો અને પૃથ્વીના વાતાવરણના સૌથી ઉપરના સ્તર, આયનમંડલ સુધી 80 Kmથી પણ વધુ ઉપર તરફ ફેલાઈ ગયો હતો.

આ એકદમ ઉપર થનારી ઘટનાઓના વધુ પુરાવા મળ્યા હોવા છતાં, વૈજ્ઞાનિકો પાસે હજુ પણ તેના વિશે ઘણા પ્રશ્નોના જવાબ નથી. વૈજ્ઞાનિકો હજુ પણ જાણતા નથી કે, સ્પ્રાઈટ્સ બનાવવા માટે યોગ્ય વાતાવરણીય પરિસ્થિતિઓ શું છે, અને વિશાળ જેટ કેવી રીતે બને છે. પરંતુ કેટલાક વૈજ્ઞાનિકોને એવું લાગે છે કે, ગુરુત્વાકર્ષણ તરંગો તેમાં સામેલ હોઈ શકે છે, જોકે આ હજુ સુધી ચોક્કસપણે ન કહી શકાય.
